• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

ખાત્રોડ ડુંગરે આશાપુરા માતાજીનો મેળો ભરાયો

કુકમા (તા. ભુજ), તા. 13 : આ વિસ્તારનાં સૌથી મોટાં ગામ નજીક આવેલા ખાત્રોડ ડુંગરે બિરાજતા દેશદેવી આશાપુરા માતાજીનાં મંદિરે બુધવારે મેળો યોજાયો હતો, જેમાં ભુજ, કુકમા, માધાપર, વડવા, રેહા, લેર, જાંબુડી, બંદરા, અંજાર, લાખોંદ, પદ્ધર, કાળીતળાવડી, ગાંધીધામ સહિતનાં સ્થળોથી હજારો ભાવિકો ઊમટી પડતાં વાડીવિસ્તારનો માર્ગ વાહનોથી ભરચક બન્યો હતો. આશાપુરા માતાજીની પેડીના દિવસે અમીછાંટણા થવાની પરંપરા સવારે ઝરમર વરસતાં જળવાઈ હતી. મંદિરે રામનાથ બાપુનાં સાંનિધ્યમાં માધાપરના હરિભાઈ અરજણ વાગડિયા પરિવારના યજમાનપદે હોમ-હવન-પૂજાની શાત્રોક્તવિધિ પુનિત મહારાજે કરાવી હતી.  બાદમાં તળેટીમાં મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી, તેની તૈયારી માટે આગલા દિવસથી કુકમાની ક.ગુ.ક્ષ. સમાજવાડી ખાતે તૈયારી કરાઈ હતી. વર્ષોથી મેળા માટે નિ:શુલ્ક સેવા આપતા `જ્યોતિ મામી' તરીકે જાણીતા રસોયા દ્વારા લાપસી અને ચણાનું શાક બનાવી ટ્રેક્ટર દ્વારા મેળા સ્થળે પહોંચાડાયા હતા. તેમાં સેવાભાવી યુવાનો કપિલ ચૌહાણ, વિરલ ચૌહાણ, મુકેશ ગુંસાઈ, પ્રિતેશ, જયપ્રકાશ, અરવિંદ ચૌહાણ, દક્ષેશ પરમાર, મીત ઠક્કર, હરેશ ટાંક, મિતાંશુ, કશ્યપ પરમાર, કનિષ્ક પરમારે સેવા-સહયોગ આપ્યો હતો. અગાઉથી મંદિરના માર્ગના ખાડા પૂરવા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ સંબંધિત તંત્રોને સૂચના આપી હતી. વાહન પાર્કિંગ માટે મેદાનની વ્યવસ્થા કુકમાના ઈન્ચાર્જ સરપંચ ભરતસિંહ સોઢા અને રાજેશભાઈ ચાવડાએ કરાવી હતી. પદ્ધરના પી. આઈ. શ્રી ખાંટ સાથે પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો. તળેટીમાં નાસ્તા અને રમકડાંના સ્ટોલે મેળાનો માહોલ જમાવ્યો હતો. મેળામાં અગ્રણીઓ રસીલાબેન રાઠોડ, વડવા સરપંચ જીતુભા જાડેજા, હમીર ચાવડા, દેવજીભાઈ આહીર, હરિ હીરા જાટિયા, જયનેશ વરૂ, જીતુભા સોઢા, પુનાભાઈ આહીર, આસપાસના વાડીધારકો વગેરેએ આયોજનમાં સહયોગ આપ્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd