• શનિવાર, 12 સપ્ટેમ્બર, 2026

સંબંધોની પેલે પાર

બદલાતી સામાજિક વાસ્તવિકતાઓ વચ્ચે દેશની સર્વોચ્ચ અદાલતે લિવ-ઈન-રિલેશનશિપમાંની સ્ત્રીઓને ઘરેલુ હિંસા બાબતે મળતું સંરક્ષણ આપી પ્રગતિશીલ પગલું લીધું છે. જો કે, આ સંરક્ષણ એવા લિવ-ઈન કપલ્સને જ લાગુ પડશે, જેઓ લગ્ન કરવાનો ઈરાદો ધરાવે છે. આઇપીએસની કલમ 498એ જે હવે ભારતીય ન્યાય સંહિતાની કલમ 85 છે, તેના હેઠળ પતિ અથવા પરિવારના સભ્યો પત્ની પ્રત્યે ક્રૂરતા દાખવે તો તેમની સામે ફોજદારી મામલો ચાલી શકે છે. અદાલતે સ્વીકાર્યું છે કે, ઘરેલુ હિંસા માત્ર લગ્ન કે કાયદેસર જોડાણ હોય એવા કેસમાં જ લાગુ પડે છે, એવું નથી. આ સાથે જ એ વાત પણ નોંધવી રહી કે, લગ્ન ઔપચારિક રીતે થયાં ન હોય, માત્ર એ આધાર પર ઘરેલુ હિંસામાં ફોજદારી કાયદાથી રક્ષણ ન મળી શકે એવું નથી. ભારતમાં કમનસીબે નોંધવું પડે છે કે, નિકટના સંબંધોમાં હિંસાના બનાવો સૌથી વધુ છે અને પોલીસના ચોપડે તે સૌથી ઓછા નોંધાય છે, એ પણ એટલી જ કડવી વાસ્તવિકતા છે. હાલમાં જ પ્રકાશિત થયેલા નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (એનએફએચએસ)ના આંકડા અનુસાર, પરિણીત હોય એવી સ્ત્રીઓમાંથી બાવીસ ટકાએ પોતાના સાથી દ્વારા શારીરિક, માનસિક કે જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. આમ છતાં, આર્થિક આધિનતા કે સામાજિક બંધારણને પગલે નગણ્ય પ્રમાણમાં મહિલાઓએ આ બાબતમાં ફરિયાદ નોંધાવી છે. લિવ-ઈન-રિલેશનશિપ ભલે ભારતીય સંસ્કૃતિથી વિરુદ્ધ છે અને તેને નવા કાળની બદી ગણાવનારો વર્ગ પણ મોટો છે. જો કે, શહેરોમાં, ઉચ્ચ-શિક્ષિત વર્ગમાં તથા પુખ્ત વયનાં પગભર સ્ત્રી-પુરુષોમાં આ ચલણ વધી રહ્યું છે. આવામાં, આ પ્રકારના સંબંધમાં હિંસાચાર થતો હોય તો સ્ત્રીના ભાગે વધારાનો કાયદાકીય બોજ તથા સામાજિક અંતરાયો આવે છે, જે કેસના કારણે આ ચર્ચા અદાલત સુધી પહોંચી એમાં પોતે પહેલાંથી પરિણીત છે, એ વાત છુપાવી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તેની સાથે રહેનારા પુરુષ સામે આ સ્ત્રીએ છ વર્ષ બાદ ક્રૂરતાની ફરિયાદ નોંધાવી. જેના જવાબમાં આરોપીએ દલીલ કરી કે, તેઓ કાયદેસર પરણેલા ન હોવાથી કાયદાની આ જોગવાઈ તેને લાગુ પડતી નથી, કેમ કે, હિન્દુ મેરેજ એક્ટમાં દ્વિ-પત્નીત્વને માન્યતા નથી. એ વખતે કર્ણાટક ઉચ્ચ અદાલતે સોય ઝાટકીને કહ્યું હતું કે, કલમ 498એ લાગુ પાડવા માટે કાયદેસર કે પ્રામાણિત લગ્ન આવશ્યક જરૂરિયાત નથી. હવે સર્વોચ્ચ અદાલતે પણ આ મતને માન્ય રાખી લિવ-ઈન-રિલેશનશિપને પણ તે લાગુ કર્યો છે. જો કે, અહીં સ્ત્રીએ એ પુરવાર કરવાનું રહેશે કે, લિવ-ઈન-રિલેશનશિપમાં રહેવાનો આશય લગ્ન કરવાનો જ હતો. આ ઈરાદો પુરવાર કરવાનું પડકારજનક રહેશે. જો કે, એક પહેલ તરીકે આ પગલું યોગ્ય દિશામાં છે અને અદાલતે સમજદારી અને સાવચેતીપૂર્વક આવશ્યક એવું સંતુલન સાધવાની દિશામાં તે લીધું છે એમાં કોઈ શંકા નથી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd