ઘનશ્યામ મજીઠિયા દ્વારા : રાપર,
તા. 29 : ભૂકંપ બાદ
નર્મદાવતરણ પછી રાપરે કૃષિ ક્ષેત્રે સારો એવો વિકાસ કર્યો છે પરંતુ શહેરમાં વહન પાર્ક
થઈ શકે તેવી કોઈ જ વ્યવસ્થા ન હોવાથી રાપર ટ્રાફિક જામની સમસ્યાના અજગરી ભરડામાં સપડાયુ
છે. - આડેધડ પાર્કિંગ : વિકાસને પગલે રાપર શહેર અને તાલુકામાં વાહનોની
સંખ્યા ખૂબ મોટી સંખ્યામાં વધતાં અને ગામડાઓનું હટાણાનું અને દવાખાના તથા તાલુકા મથક
હોવાથી સરકારી કામકાજ અર્થે સવારથી જ મોટી સંખ્યામાં ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો પ્રાઈવેટ
વાહનો દ્વારા રાપરમાં આવતાં હોય છે. આખા રાપરમાં ક્યાંય પાર્કિંગની સુવિધા નહીં હોવાથી
લોકો મન ફાવે ત્યાં રસ્તા ઉપર વાહન પાર્ક કરીને જતાં રહેતાં હોય છે. તો બસ સ્ટેશન પણ
ઉંચાણ પર હોવાથી બસો બસ સ્ટેશનમાં આવતાં જતાં આ રોડ પર અવારનવાર ટ્રાફિક જામ થતો હોય
છે. હાઈવે પર તો ક્યારેક કે અકસ્માત જેવા સંજોગોમાં ટ્રાફિક જામ થાય છે જ્યારે રાપરમાં
તો પ્રાંથળ, ખડીર અને આડેસર તરફ જતાં
સતત ધમધમતા આ રોડ પર કાયમ ટ્રાફિક જામ થતો હોય છે. - અકસ્માતની ભીતિ : આ રસ્તાઓ
પર હોસ્પિટલો, બેંકો અને શાળાઓ આવેલી
હોવાથી અને કયાંય પાર્કિંગની કોઈ વ્યવસ્થા નહીં હોવાથી શાળાઓ છૂટવાનાં સમયે અને પીક
અવર દરમિયાન તો આ રોડ જાણે કે અકસ્માત ઝોન બની જાય છે. વાહનોની નાની મોટી અથડામણ સામાન્ય
બની ગઈ છે. ટ્રાફિક નિયમન માટે પોલીસે ચોકમાં જ ટ્રાફિક પોલીસ ચોકી બનાવી છે પણ આ ચોકીની
સામે આવેલા વીર સાવરકર ચોક(દેનાબેંક ચોક) જાણે પાર્કિંગ ચોક હોય તેમ આડેધડ વાહનો પાર્ક
કરીને રસ્તો અવરોધાતાં વારંવાર ટ્રાફિક જામ થતો હોય છે. એ જ રીતે બેંકો પાસે પણ ગમે
તેમ વાહનો મૂકીને લોકો જતાં રહેતાં હોવાથી પોલીસ ચોકીથી ન્યાય કોર્ટ બાજુ જતાં રસ્તે
પણ આ સમસ્યા સર્જાય છે. થોડે અંતરે આવેલી વિકાસવાડી પ્રાથમિક શાળાની બાજુમાં પણ મોટી
મોટી બસો બિંદાસ્ત પાર્ક કરવામાં આવતી હોય છે તો અન્ય માલવાહક વાહનો પણ અહીંથી જ લોડ-અનલોડ
થતાં હોવાથી શાળા છૂટવાનાં સમયે જોખમી પરિસ્થિતિ સર્જાતી હોય છે. પોલીસ પણ તેનો કાયમી
ઉકેલ લાવવાને બદલે કામચલાઉ ટ્રાફિક નિયમન કરી સંતોષ માની લે છે. - કરાતી અનદેખી : આ માર્ગે તાલુકા વિકાસ અધિકારી, મામલતદારનું નિવાસસ્થાન, પોલીસ સ્ટેશન, ન્યાય કોર્ટ, નગરપાલિકા
કચેરી અને અનેક વિદ્યા સંકુલો આવેલા છે. તમામ અધિકારીઓ આ માર્ગ પરથી જ આવાગમન કરતાં
હોવા છતાં આશ્ચર્ય વચ્ચે કોઈ કાંઈ કહેતું કે કરતું નથી. શાળાનાં સગીર અને લાયસન્સ મેળવવાની
કે વાહન ચલાવવાની ઉંમર કરતાં નાના બાળકો બેફામ વાહનો લઇને આવતાં જતાં હોવા છતાં નથી
શાળા સંચાલકો રોકતાં કે નથી પોલીસ ટપારતી!
- તો પરિસ્થિતિ હળવી થાય : ટ્રાફિક જામમાં મોટું પરિબળ બસ સ્ટેશનનું
જો યંત્રાલયમ સ્થળાંતર કરવામાં આવે તો પણ આ
સમસ્યા હળવી થઈ શકે તેમ છે. તો નગરપાલિકા અને પોલીસ સંકલન સાધી પાર્કિંગ માટે કોઈ નિશ્ચિત
જગ્યા ફાળવી વાહનો પાર્ક કરવા વાહન માલિકોને ફરજ પાડે તો જ આ સમસ્યામાંથી કાયમી છુટકારો
મળી શકે તેમ છે અત્યારે તો અવારનવાર એમ્બ્યુલન્સ અને પોલીસનાં વાહનો પણ ટ્રાફિકમાં
ફસાયેલા જોવા મળી રહ્યા છે.