• ગુરુવાર, 30 જુલાઈ, 2026

વરસાદ ખેંચાતાં રામમોલ વાવતા ખેડૂતો રડી રહ્યા છે

અંબર અંજારિયા દ્વારા : ભુજ, તા. 29 : બરાબર અડધોઅડધ અષાઢ વીતી ગયા પછી પણ વરસાદી વહાલ નહીં વરસતાં ખાસ કરીને વરસાદ આધારિત સૂકી ખેતી કરતા નાના ખેડૂતોના કપાળે ચિંતાનાં વાદળો ઘેરાયાં છે. હવે આ લખાય છે ત્યારે જ તરત જ વરસાદ વરસે તો સૂકી ખેતીના પાકોને પોષણરૂપે જીવતદાન મળી શકે. અત્યાર સુધીમાં કચ્છમાં 1,45,388 હેક્ટર ભૂભાગ પર વિવિધ પાકોનું વાવેતર થયું છે, જે કુલ વિસ્તારના પા ભાગથીયે ઓછું છે. હજુ ચાર લાખ હેક્ટરથી વધુ વિસ્તાર `વાવેતરવિહોણો' છે... આમ હજુ વાવેતરમાં લાંબો પંથ કાપવાનો બાકી હોવાથી તાત્કાલિક વાલીડો નહીં વરસે તો ખરીફના ખેડૂતો માટે વરસ નબળું જવાની ભીતિ નકારી ન શકાય. કચ્છના કૃષિજગતના કેટલાક જાણકારો એકી અવાજે એવી કબૂલાત કરે છે કે, છૂટાછવાયા મોસમના પહેલા વાવણીજોગ વરસાદથી જે વાવેતર થઇ ગયું છે તે પાકની સાથોસાથ નવાં વાવેતર માટે આજે જ વરસાદ `સમયસરની સંજીવની' બની રહેશે. અને હવે જો વરસાદ લાંબા સમય માટે ખેંચાઇ જશે તો બાજરો, મગ, તલ જેવા પાકોનું નવું વાવેતર થઇ જ નહીં શકે. જિલ્લાના ખેતીવાડી તંત્ર તરફથી મળતા 24મી જુલાઇ સુધી રણપ્રદેશમાં વાવેતરના સરકારી આંકડાની આંખથી નજર કરીએ તો જિલ્લાના 10 તાલુકામાંથી 37,900 હેક્ટરમાં વાવેતર સાથે રાપર મોખરે છે. બીજું સ્થાન માંડવીનું છે, જ્યાં 25 હજાર હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. ભુજ તાલુકામાં 18,728, અબડાસામાં 17,539, ભચાઉમાં 17,271, નખત્રાણામાં 11,340 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. બાકી અંજાર (9258), મુંદરા (6127), લખપત (1964), ગાંધીધામ (197) મળીને ચાર તાલુકામાં 10 હજાર હેક્ટરથી ઓછી વાવણી થઇ છે. - પાકવા માટે વધુ સમય લેતા પાકો માટે મોડું થઇ ગયું છે : કચ્છ ઘાસચારા, ફળઝાડ અને જંગલ વિકાસ ટ્રસ્ટના અભ્યાસુ અને પીઢ કૃષિચિંતક જયેશ લાલકા કહે છે કે, પાકવા માટે વધુ સમય (140 દિવસ) લેતા દેશી પાકોનું વાવેતર હવે વરસાદ વરસે તો પણ કરવું મુશ્કેલ દેખાય છે. દેશી બીજ વાવતા ખેડૂતોની ચિંતા વરસાદના વિલંબે વધારી છે. લખપત અને માંડવીના ગ્રામીણ ક્ષેત્રોની સ્થિતિ સૌથી ખરાબ છે. અબડાસામાં વાવેતર થયું છે પણ હજુ ઘણું ઓછું છે. દેશી જાતોનું વાવેતર હવે થશે જ નહીં. - સૂકી ખેતી કરતા ખેડૂતોની આગાહી પર આશાભરી મીટ : આજની તારીખે ખાનગી, વ્યક્તિગત તેમજ હવામાન તંત્ર દ્વારા કરાયેલી 30 જુલાઇ અથવા પહેલી ઓગસ્ટના વરસાદની આગાહીઓ પર આશાભરી મીટ માંડીને ખેડૂતો વાવણી કરવાની રાહમાં વાડી-ખેતરના શેઢે બેસી રહ્યા છે. માંડવી તાલુકાના ગુંદિયાળી, બાગ, મસ્કા, બિદડા, નાની-મોટી ખાખરમાં મગફળીનું વાવેતર પુષ્કળ થાય છે, પરંતુ આ વખતે પાંચ ટકા પણ માંડ થઇ શક્યું છે. - રણપ્રદેશનો 70 ટકાથી વધુ ભૂભાગ સૂકી ખેતી : કચ્છના 70 ટકાથી વધુ ભૂભાગ પર સૂકી ખેતી એટલે કે, વરસાદના વહાલ આધારિત ખેતી થાય છે. આ મોટાભાગના વિસ્તાર વરસાદવિહોણા હોવાથી સૂકી ખેતી માટે સ્થિતિ ચિંતાજનક છે. `સાત્ત્વિક' સંસ્થાના સંયોજક અને ઉત્સાહી યુવા કાર્યકર પ્રવીણ મૂછડિયા કહે છે કે, બાજરો, મગ, તલ જેવા પાકોનું વાવેતર જૂનના અંતમાં અથવા જુલાઇના પ્રારંભે જ કરી દેવાતું હોય છે. હવે ઘણું મોડું થઇ ગયું છે. જુલાઇ પણ આખેઆખો વીતી ગયો છે એટલે આવા પાકોનું વાવેતર હવે વરસાદ વરસે તો પણ થઇ શકે તેમ નથી. - હવે ગોવાર, એરંડા, જુવારનાં વધુ વાવેતર પર ધ્યાન : એરંડા, મગ, તલ જેવા પાકોની વાવણીનો સમય પૂરો જ થઈ ગયો છે, તેવું કહી શકાય. આ પાકોનું અત્યાર સુધી માંડ 15 ટકા વાવેતર થઈ શક્યું છે. હવે સૂકી ખેતીમાં એરંડા, ગોવાર અને જુવારના વાવેતર પર ખેડૂતો વધુ ધ્યાન આપશે. પરંતુ તેમાં પણ વરસાદી વહાલ વરસવાની જરૂર તો રહેશે જ. - કપાસ, એરંડા, મગફળીની પિયત ખેતીમાંયે પરેશાની : પિયત ખેતી કરતા ખેડૂતોને પણ કપાસ, એરંડા, મગફળીના પાકોને વરસાદનું તાજું પાલર પાણીનું પોષણ ન મળતાં મુશ્કેલી પડશે, તેવું પ્રવીણભાઈ કહે છે. વરસાદનું પાલર પાણી હવામાંનો નાઈટ્રોજન સાથે લાવીને જમીનમાં જાય છે. આ પાલર પાણીનું પોષણ કોઈ પણ પાકને તંદુરસ્ત બનાવતું હોય છે. અબડાસામાંયે વરસાદ નહીં વરસતાં મગફળી જોઈએ તેટલી નથી વવાઈ એટલે કયાંક કિસાનો એરંડા તરફ વળ્યા છે. એરંડા પણ પાકે તો માંડ ખર્ચના ખાડા પૂરતા બાકી કંઈ બચે નહીં. આશાપુરા ફાર્મના સૂત્રધાર અને પ્રયોગશીલ કિસાન અગ્રણી હરેશભાઈ ઠક્કર કહે છે કે, કચ્છમાં છુટોછવાયો વાવણીજોગ વરસાદ થઈ ગયો છે, પરંતુ હવે કેટલીક આગાહીઓ અનુસાર પહેલી તારીખે પણ વરસાદ વરસે તો સારું થાય. - રામમોલવાળા ખેડૂતો રડી રહ્યા છે ભલા... : `રામમોલના રાજીપા' સમાન વરસાદ ખેંચાઈ જતાં મગ, તલ, બાજરો વાવનારા સૂકી ખેતી કરતા ખેડૂતોની રડવા જેવી સ્થિતિ છે અને મેઘમહેર માટે આભ ભણી આશાભરી મીટ માંડીને બેઠા છે. - કુલ સાડા છ લાખ હેકટર; ચાર લાખ હેકટરમાં વાવણી બાકી : રણપ્રદેશમાં કુલ સાડા છ લાખ હેકટર ભૂભાગ વાવેતર લાયક છે, જેમાંથી આજની તારીખે માંડ 1.45 લાખ હેકટરમાં વાવણી થઈ હોવાનું જોતાં હજુ ચાર લાખ હેકટરથી વધુ વિસ્તાર વાવેતરવિહોણો છે. - રાપર-ખડીર પંથકની બાજરી બિગ-બીને પ્રિય : કચ્છમાં બાજરીનું વાવેતર એકમાત્ર રાપર તાલુકામાં 4965 હેકટરમાં થયું છે. આ ખડીર પંથકની બાજરી મહાનાયક અમિતાભ બચ્ચનથી માંડીને નેતાઓ, ઉદ્યોગપતિઓને ભારે પ્રિય છે...  હવે જો આજે જ અત્યારે જ વરસાદ નહીં વરસે તો ખેડૂતો માટે વરસ નબળું જવાની ભીતિ છે. 

Panchang

dd