• ગુરુવાર, 30 જુલાઈ, 2026

બોર રિચાર્જની કામગીરી માટે 2.50 લાખ ગ્રાન્ટની જાહેરાત

કોડાય (તા. માંડવી), તા. 29 : મદનપુરા (કોડાય) ગામને હરિયાળું અને સમૃદ્ધ બનાવવા અંદાજિત 15 એકરમાં 10 ફૂટ ઊંડાઇ ધરાવતાં તથા કરોડો લિટર પાણી સંગ્રહ ક્ષમતા ધરાવતાં હરેકૃષ્ણ ઉમિયા સરોવરનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આ તળાવ ગામનું પ્રથમ  વિશાળ જળસંચય કેન્દ્ર બનશે, જેનું નિર્માણ મુંબઇ-મદનપુરા કચ્છ કડવા પાટીદાર લક્ષ્મીનારાયણ સનાતન સમાજના સહયોગથી કરાયું છે.  ધારાસભ્ય અનિરુદ્ધભાઇ દવેએ સરોવરની મુલાકાત લઇ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું  અને જણાવ્યું હતું કે, પાણીના સંગ્રહથી ભૂગર્ભજળનું સ્તર ઊંચુ આવશે અને ગ્રામજનો સાથે સાથે પશુ-પક્ષીઓ માટે પણ આ તળાવ ઉપયોગી સાબિત થશે. તેમણે બોર રિચાર્જની કામગીરી માટે રૂા. 2.50 લાખ ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. મુંબઇ સમાજના મહામંત્રી શાંતિલાલ રતનશી રૂડાણીએ  સંસ્થાઓ, દાતા - શ્રેષ્ઠીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રમુખ મોહનભાઇ રામજિયાણી તથા અગ્રણી રમેશભાઇ લાલજીભાઇ રામજિયાણીએ જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં આ સ્થળને નંદનવન બનાવવાનો પ્રયાસ કરાશે. છેલ્લા બે માસથી હરેકૃષ્ણ ઉમિયા સરોવર માટે ખાણેત્રું અને માટીકામની કામગીરી સવજીભાઇ ધોળકિયા ફાઉન્ડેશનના સહયોગથી કરાઇ રહી છે. આ પ્રસંગે માંડવી તા.ભા. પ્રમુખ સામતભાઇ ગઢવી, પ્રદેશ કિસાન મોરચાના ઉપપ્રમુખ રાણસીભાઇ ગઢવી, સરપંચ વિરલભાઇ જોશી, સુરેશભાઇ જોશી, તલાટી રાઘવદાનભાઇ ગઢવી, જયંતીભાઇ પારસિયા સહિતે જળસંચયનાં કાર્યોને બિરદાવ્યું હતું. 

Panchang

dd