નલિયા, તા 29 : અબડાસા તાલુકાના
મુખ્ય મથક નલિયાના પ્રવેશદ્વાર સમાન વીર અબડા દાદા સર્કલ પાસે ચાર માર્ગનો સંગમ થતો
હોવાથી આ વિસ્તાર અકસ્માતનું કેન્દ્ર બની રહ્યો છે. અગાઉ અહીં વાહનોની ગતિ પર નિયંત્રણ
રાખવા માટે બેરિકેટ્સની વ્યવસ્થા હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રીના નલિયા પ્રવાસ સમયે સુરક્ષાના કારણોસર આ બેરિકેટ્સ
દૂર કરવામાં આવ્યાં હતાં. જો કે, આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તંત્ર
દ્વારા અહીં ફરીથી બેરિકેટ્સ મૂકવાની દરકાર લેવામાં ન આવતાં વાહનચાલકોના જીવ જોખમમાં
મુકાયા છે. નલિયા નગરમાં પ્રવેશવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાથી અહીં ચોવીસે કલાક ટ્રાફિકનો
ધમધમાટ રહે છે. આ સર્કલ પાસેથી એક તરફ માંડવી નેશનલ હાઈવે, બીજી
તરફ નારાયણ સરોવર, જ્યારે અન્ય માર્ગો તેરા અને અન્ય તરફ કનેક્ટ થાય છે. ખાસ કરીને આ માર્ગ પરથસિમેન્ટ
અને મીઠાં (નમક) ભરેલી ભારે ટ્રકોની સતત અવરજવર રહે છે. ગતિ નિયંત્રણ માટે કોઈ અવરોધ
ન હોવાથી આ માર્ગ પર અગાઉ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં
એક મોપેડચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ગંભીર સમસ્યા અંગે નલિયાના સામાજિક
આગેવાન અજીતાસિંહ જાડેજાએ રોષ ઠાલવતાં જણાવ્યું હતું કે, આ માર્ગ
અત્યંત વ્યસ્ત અને જોખમી છે. અહીં ચારેય દિશામાંથી વાહનો આવતાં હોવાથી અને ભારે વાહનોની
સંખ્યા વધુ હોવાથી અકસ્માતનો ભય સતત રહે છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે અહીં સ્પીડબ્રેકર
અથવા બેરિકેટ્સ મૂકવામાં આવે તેવી માંગ કરી હતી. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે,
તો હજુ પણ કોઈ મોટો અકસ્માત સર્જાવાની ભીતિ છે. કોઈ નિર્દોષનો ભોગ લેવાય
તે પૂર્વે તંત્ર સફાળું જાગે તે જરૂરી છે.