• ગુરુવાર, 30 જુલાઈ, 2026

હરજિંદર અને ગુલવીરને રજત ચંદ્રક

ગ્લાસગો, તા.29 : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતની જોળીમાં વધુ બે રજત ચંદ્રક આવ્યા છે. વેઇટ લિફટીંગમાં હરજિંદર સિંઘે શાનદાર દેખાવ કરીને સિલ્વર મેડલ કબજે કર્યો છે જ્યારે ગુલવીર સિંહ 10 હજાર મીટર રેસમાં મેડલ જીતનારો ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે. આ ઉપરાંત ભારતના પાંચ મુક્કેબાજ સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. આથી તેમના માટે ઓછામાં ઓછા કાંસ્ય ચંદ્રક નિશ્ચિત બની ચૂક્યા છે. મેડલ ટેલીમાં હાલ ભારત બે ગોલ્ડ સહિત કુલ 12 ચંદ્રક સાથે નવમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયા 3પ ગોલ્ડ સહિત કુલ 80 મેડલ સાથે ટોચ પર છે. મહિલાઓની 69 કિલો વજન જૂથની વેઇટ લિફટીંગ સ્પર્ધામાં ભારતની હરજિંદર સિંઘે સિલ્વર મેડલ જીત્યો હતો. તેણીએ સ્નેચમાં 101 કિલો અને કલીન એન્ડ જર્ક રાઉન્ડમાં 126 મળી કુલ 227 કિલો વજન ઉઠાવી બીજા સ્થાને રહી રજત ચંદ્રક કબજે કર્યો હતો. કેનેડાની ખેલાડી ચાર્લોટ સિમોનોએ કુલ 240 કિલો વજન ઉંચકી ગોલ્ડ મેડલ જીત્યો હતો. 29 વર્ષીય હરજિંદર સિંઘે 2022ના બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં 71 કિલો વર્ગમાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો. હવે તેણે આ વખતે રજત ચંદ્રક કબજે કરવામાં સફળતા હાંસલ કરી છે. વેઇટ લિફટીંગમાં ભારતનો આ સાતમો મેડલ છે.  જ્યારે ગુલવીર સિંહ પુરુષોની 10 હજાર મીટર દોડ સ્પર્ધામાં કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારો ભારતનો પહેલો એથ્લેટ બન્યો છે. ગુલવીર સિંહે 27 મિનિટ અને 49.78 સેકન્ડમાં 10000 મીટરની રેસ પૂરી કરી હતી અને બીજા સ્થાન પર રહ્યો હતો. આથી તે સિલ્વર મેડલનો હકદાર બન્યો હતો. ઓસ્ટ્રેલિયાના એથ્લેટ કાઇ રોબિન્સને 27 મિનિટ અને 48.93 સેકન્ડમાં રેસ પૂરી કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.  આ ઉપરાંત મુક્કેબાજીમાં ભારતે પ મેડલ નિશ્ચિત કરી લીધા હતા. પ્રીતિ પવાર, પ્રિયા ધાંધસ અને જાદુમણિ સિંહે સેમિ ફાઇનલમાં પ્રવેશીને ઓછામાં ઓછા કાંસ્ય ચંદ્રક નિશ્ચિત કરી લીધા હતા જ્યારે આજે અરૂંધતી ચૌધરી 70 કિલો વર્ગના સેમિ ફાઇનલમાં પહોંચી હતી. સાક્ષીએ પણ સેમિ ફાઇનલમાં જગ્યા બનાવી છે. કોમનવેલ્થ ગેમ્સના સાતમા દિવસે ભારતીય બોક્સરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અત્યાર સુધીમાં પાંચ બોક્સરો સેમિ-ફાઇનલમાં પહોંચીને મેડલ નિશ્ચિત કરી ચૂક્યા છે, જેમાં સાક્ષીએ મહિલાઓની 51 કિગ્રા વર્ગની ક્વાર્ટર-ફાઇનલમાં નોર્ધર્ન આયર્લેન્ડની કેટલિન ફ્રાયર્સને સર્વસંમત નિર્ણય દ્વારા 5-0થી હરાવી હતી, તો અરુંધતીએ 70 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની મોર્ગન હેન્ડરસન સામે શાનદાર પ્રદર્શન કરી 3-1ના `િસ્પ્લટ ડિસિઝન' (વિભાજિત નિર્ણય) દ્વારા વિજય મેળવ્યો હતો, જ્યારે સચિન સિવાચે પુરુષોની 60 કિગ્રા વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં બોત્સ્વાનાના ટ્રેઝર મોરેમીને સર્વસંમત નિર્ણય દ્વારા 5-0થી હરાવીને સેમિ-ફાઇનલમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. અંકુશે સેશેલ્સના જૅડ માયકોકને સર્વસંમતિથી 5-0થી હરાવ્યો હતો અને નરેન્દરે પણ 90+ કિગ્રા વર્ગમાં સમોઆના માઈકલ સેકોને `િસ્પ્લટ ડિસિઝન' (વિભાજિત નિર્ણય) દ્વારા 3-2થી હરાવી મેડલ નિશ્ચિત કર્યો હતો. બીજી તરફ, ભારતના સ્ટાર પ્રિન્ટર અનિમેશ કુજુરે 200 મીટર દોડમાં 20.46 સેકન્ડનો સમય નોંધાવવા સાથે શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઇનલમાં પહોંચ્યો હતો. તાજિંદરપાલ સિંહ તૂર અને સમરદીપ સિંહ ગિલ શોટપુટની ફાઇનલ માટે ક્વોલિફાય થયા છે. પેરા-સ્વામિંગની પુરુષોની 50 મીટર ફ્રી સ્ટાઇલમાં સુયશ નારાયણ જાધવ ચોથા અને ચૈતન્ય વિશ્વાસ કુલકર્ણી છઠ્ઠા સ્થાને રહ્યા હતા અને ફાઇનલ માટે ક્વોલિફાય થયા હતા. 

Panchang

dd