નવી દિલ્હી, તા. 29 : લાંબા સમય સુધી ચાલેલા છાત્રોનાં વિરોધ પ્રદર્શનની પૃષ્ઠભૂમિમાં
અને વિપક્ષના ભારે હંગામા વચ્ચે એન્ટિ પેપર લીક વિરોધી બિલ આજે લોકસભામાં ધ્વનિમતથી
પસાર કરવામાં આવ્યું હતું. આ ખરડો પસાર થઈ ગયા બાદ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી
સ્થગિત કરી દેવામાં આવી છે, હવે આ વિધેયકને
રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. આજે ચર્ચાના અંતિમ દિવસે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ
સરકાર પર પસ્તાળ પાળી હતી. ખાસ તો ગૃહમંત્રી અમિત શાહની ગેરહાજરી સામે સવાલ ઉઠાવતાં
તેમના આદેશથી છાત્રો પર પેલેટ ગોળીબાર કરાયાનો આક્ષેપ કર્યો હતો, જેનો ભાજપ-એનડીએ સભ્યોએ ઉગ્ર વિરોધ કરતાં ભારે ધમાલ મચી ગઇ હતી. સરકારે જણાવ્યું
હતું કે, તેણે નીટ પેપર લીકમાં તરત અનેક પગલાં લીધાં હતાં. 2024માં કાયદો લાગુ થયા બાદથી બાવન
એફઆઇઆર નોંધાઇ છે અને આ સુધારા ખરડો લાવ્યા છીએ અનુભવો પરથી શીખવા માટે અમારું મન ખુલ્લું
છે. લોકસભામાં બિલ રજૂ કરતા કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રાસિંહે કહ્યું હતું કે, આ મહત્ત્વપૂર્ણ બિલ પર ચર્ચા કરવા અને સૂચનો
આપવાને બદલે વિપક્ષ રાજકારણ રમી રહ્યું છે.
આવા ગંભીર અનેમહત્ત્વપૂર્ણ બિલ પર રચનાત્મક સૂચનો આપવાને બદલે જે વડાપ્રધાન
નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાને પ્રતાબિંબિત કરે છે, વિપક્ષના નેતા દ્વારા ઉપયોગમાં લેવાયેલી
ભાષા માત્ર બિનસંસદીય જ નહીં, પણ એટલી અયોગ્ય હતી કે,
હું તેને પુનરાવર્તન પણ કરવા માગતો નથી. જો કોઈ પોતાને શિક્ષિત અને સંસદીય
સંમેલનોથી પરિચિત માને છે, તો તેણે જાણવું જોઈએ કે, ગૃહમાં આવી ભાષાનો ઉપયોગ કરી શકાતો નથી.' તેમણે વધુમાં જણાવ્યું હતું કે,
વિપક્ષના નેતા દ્વારા દેશના યુવાનોને મૂર્ખ કહેવાનું અત્યંત દુર્ભાગ્યપૂર્ણ
છે. કહ્યું, `આ દેશના યુવાનો, જે રાષ્ટ્રનું ભવિષ્ય છે, તેમને `મૂર્ખ' કહેવાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે. મને
આશ્ચર્ય થાય છે કે, શું તેઓ સંસદીય કાર્યવાહીના મૂળભૂત નિયમો
અને શિષ્ટાચારથી પણ વાકેફ છે.' - રાષ્ટ્રગીતનું અપમાન હવેથી
ગુનો ગણાશે : `વંદે માતરમ્' બિલ રાજ્યસભામાં પસાર : નવી દિલ્હી, તા. 29 (પીટીઆઈ) : રાજ્યસભાએ બુધવારે રાષ્ટ્રીય ગીત `વંદે માતરમ્'ના અપમાનને ફોજદારી ગુનો ગણાવતું બિલ પસાર કર્યું
હતું. નીટ પેપર લીક સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના મુદ્દે
વિપક્ષના હોબાળા છતાં ગૃહની કાયદાકીય કામગીરી હાથ ધરીને આ પગલા સાથે એક અઠવાડિયાથી
વધુ સમયથી ચાલી રહેલા ગતિરોધનો અંત લવાયો હતો અને ધ્વનિ મતથી બિલ પસાર કરાયું હતું.ડેપ્યુટી
ચેરમેન હરિવંશે બપોરના ભોજન બાદ સભ્યોને `રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ (સુધારા) બિલ, 2026' પર બોલવાની
મંજૂરી આપતાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળના વિપક્ષે ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો.બિલ પરની
ચર્ચાનો જવાબ આપતાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, કોંગ્રેસ તુષ્ટિકરણના રાજકારણનો આશરો લઈને દેશના
સન્માન વંદે માતરમનું અપમાન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે,
વંદે માતરમનો વિરોધ કરવાનો અર્થ ભારત `તેરે ટુકડે હોંગે ગેંગ'નું મનોબળ વધારવનો છે. ઘણા સભ્યોએ મંતવ્યો વ્યક્ત
કર્યા હતા, પરંતુ કોંગ્રેસે વિરોધ કેમ કર્યો તે અંગે આશ્ચર્ય
થયું. `એક ભારત શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ માટે `વંદે માતરમ્' જરૂરી છે. રાષ્ટ્રીય પ્રતીકોનો આદર એ એક વિષય
છે જે રાજકારણથી ઉપર હોવો જોઈએ. દિવસની શરૂઆતમાં બે વાર મુલતવી રાખ્યા પછી,
બપોરે 2 વાગ્યે ગૃહની
કાર્યવાહી શરૂ થયા પછી તરત જ, હરિવંશે
વિરોધ કરી રહેલા સભ્યોને શિષ્ટાચાર જાળવવા વિનંતી કરી. હોબાળા વચ્ચે ઉપાધ્યક્ષે સભ્યોને
સલાહ આપતાં કહ્યું હતું કે, તેઓ તેમના સમયનો અસરકારક રીતે ઉપયોગ
કરે અને દરેકને ફાળવેલા સમયની અંદર તેમના ભાષણો પૂર્ણ કરે. ચર્ચા શરૂ થઈ ત્યારે, રાષ્ટ્રીય
રાજધાનીમાં નીટ પેપર લીક પ્રદર્શનકારીઓ સામે પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી
અમિત શાહ પાસેથી જવાબ માગવા માટે વિપક્ષે વિરોધ ચાલુ રાખ્યો હતો, જ્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રી રામદાસ આઠવલે બિલ
પર બોલી રહ્યા હતા ત્યારે તેઓએ વોકઆઉટ કર્યું હતું.