• ગુરુવાર, 30 જુલાઈ, 2026

સંસદમાં રાહુલે ઇડિયટ અને અંધભક્ત શબ્દ વાપરતાં ધમાલ

નવી દિલ્હી, તા. 29 : લોકસભામાં પેપર લીક વિરોધી બિલ ઉપર ચર્ચા દરમ્યાન વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ એક છાત્રા સાથે વાતચીતનો હવાલો આપીને ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દોનો ઉપયોગ કરતાં હોબાળો મચ્યો હતો. સત્તા પક્ષ તરફથી રાહુલના અમુક શબ્દો મુદ્દે જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને રાહુલ દ્વારા વપરાયેલા અસંસદીય શબ્દો બદલ માફીની માગણી કરી હતી. રાહુલે કહ્યું હતું કે તેઓ સત્તા પક્ષના કોઈ સભ્યને ઈડિયટ કહી રહ્યા નથી. બાદમાં ભારે વિરોધનાં કારણે સદનની કાર્યવાહીમાંથી ઈડિયટ શબ્દ હટાવવામાં આવ્યો હતો. ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે, તેઓ પોતાનાં ભાષણની શરૂઆત અમુક યુવા યુવતીઓ સાથે થયેલી વાતચીતથી કરવા માગશે. રાહુલે બાદમાં એક યુવા યુવતી સાથે વાતચીતનો હવાલો આપતા કહ્યું હતું કે છાત્ર એ હોય છે જેનું મન અને દિલ ખુલ્લું રહે છે. યુવતીએ એમ પણ કહ્યું હતું કે એવા લોકો પણ હોય છે જેમને પોતે બહુ જાણતા હોય તેવો વિશ્વાસ હોય છે. તેઓ પોતાને ભગવાન માને છે. આવા લોકોને ઇડિયટ્સ ગણે છે. આ વાત ઉપર સત્તા પક્ષે જોરદાર હંગામો કર્યો હતો અને શબ્દ પરત લેવા   માંગ કરી હતી. સત્તા પક્ષ તરફથી સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ વિરોધ  વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, નેતા વિપક્ષે અસંસદીય શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ નહી. બાદમાં રાહુલે નિવેદન આગળ વધારતા કહ્યું હતું કે ઈડિયટ એ હોય છે જે કોઈનું સાંભળતા નથી. ત્રીજા ગ્રુપની વાત કરતા કહ્યું હતું કે છેલ્લે આવે છે અંધભક્ત, જે ઇડિયટ્સને ભગવાન માને છે. રાહુલના આ ભાષણ ઉપર ભારે હંગામો થઈ રહ્યો હતો ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે દખલ કરતા સત્તા પક્ષને આગ્રહ કર્યો હતો કે રાહુલને પોતાની વાત આગળ વધારવા દેવામાં આવે અને સ્પીકરને કહ્યું હતું કે સદનના રેકોર્ડ ઉપરથી ઈડિયટ શબ્દ ધરાવતી ટિપ્પણીને હટાવવામાં આવે. સ્પીકરે આ અનુરોધ માનીને ટિપ્પણી સદનની કાર્યવાહીમાંથી હટાવી હતી. આગળ રાહુલે દાવો કર્યો હતો કે પ્રદર્શનકારી છાત્રો ઉપર બળ પ્રયોગનો આદેશ ગૃહ મંત્રી અમિત શાહે આપ્યો હતો. રાહુલના નિવેદન ઉપર કિરેન રિજિજૂએ વાંધો ઉઠાવ્યો હતો અને પુરાવા માગ્યા હતા. વધુમાં રિજિજૂએ કહ્યું હતું કે, તેઓ પણ પુરાવા વિના કહી શકે છે કે રાહુલ ગાંધીએ કોઈનું મર્ડર કર્યું છે. કોઈપણ પ્રમાણ વિના આરોપો મૂકી શકાય નહીં. 

Panchang

dd