કાંઠડા (તા. માંડવી), તા. 29 : આજના સમયમાં
અનેક ગામોમાં અંતિમવિધિ માટે લાકડાંની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની રહે છે. આવી પરિસ્થિતિમાં માંડવી તાલુકાના કાઠડા ગામે સમાજસેવા
અને માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. સેવાભાવી લોકોના વર્ષો જૂના આયોજિત પ્રયાસોનાં
પરિણામે કાઠડા ગામના બંને હિન્દુ સ્મશાન સ્વનિર્ભર બન્યાં છે. અહીં અંતિમવિધિ માટે
જરૂરી લાકડાંનો એટલો વિશાળ જથ્થો ઉપલબ્ધ છે કે ગામમાં કોઇપણ પરિવારે દુ:ખની ઘડીમાં
લાકડાંની વ્યવસ્થા અંગે ચિંતા કરવાની જરૂર રહેતી નથી. ગંગાનગર સ્થિત સ્મશાન તેમજ વીરા
તળાવ પાસે આવેલા હિન્દુ સ્મશાન ખાતે વર્ષોથી લાકડાંનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે.
ગામ અને વાડી વિસ્તારમાં જ્યારે ખેતીની જમીનમાંથી વૃક્ષો દૂર કરવામાં આવે છે અથવા જમીનની
ફરતે કરવામાં આવેલા તાર-ફેન્સિંગ દરમ્યાન વૃક્ષો કાપવામાં આવે છે ત્યારે તે લાકડાંનો
સદુપયોગ થાય તે માટે સેવાભાવીઓ જાતે જ આગળ આવે છે. આ સેવા પાછળ પુનશી ભીમશી પાસ્તા, ખેતશી સામત કોઠારી અને પુનશી સાંગા કાનાણી વર્ષોથી
લાકડાં કાપવા, ગોઠવવા અને સ્મશાન સુધી પહોંચાડવાની સેવા આપી રહ્યા
છે. અંતિમવિધિના સમયે કફન સહિતની જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવવી, દાનનો હિસાબ રાખવો, જરૂરી વ્યવસ્થા કરવી અને સ્મશાનની સંભાળ જેવી સેવાઓમાં મૂરજી કલ્યાણ કાનાણી,
ગોપાલ કરમશી કારિયા તથા ભારુ લક્ષ્મણ ગઢવી સતત નિ:સ્વાર્થ સેવા આપી રહ્યા
છે. કોરોના મહામારી દરમ્યાન કાઠડા ગામે માત્ર પોતાની જરૂરિયાત જ નહીં, પરંતુ માનવતાનો ધર્મ નિભાવતાં મસ્કા સહિત આસપાસના અન્ય ગામોમાં પણ અંતિમવિધિ
માટે લાકડાંની સેવા પહોંચાડી હતી. વર્ષોથી એકત્ર થયેલાં લાકડાંનો વિશાળ જથ્થો વરસાદ,
ભેજ અને અન્ય કુદરતી પરિબળોથી બગડી ન જાય તે માટે હવે વીરા તળાવ સ્થિત
હિન્દુ સ્મશાનમાં વિશાળ લાકડાં સંગ્રહ ગોડાઉનનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
ગોડાઉન નિર્માણ માટે લખમશીભાઇ હરદાસભાઇ વાડિયા, સ્વ. રંજનાબેન
વીરેન્દ્રભાઇ કાનાણી પરિવાર, સ્વ. રામઇબાઇ ભારુભાઇ લાખાણી પરિવાર,
સ્વ. પુરબાઇબેન વાલજીભાઇ કાનાણી પરિવાર, સ્વ. મધુબેન
ગોપાલભાઇ મંધુડા, ગઢવી ભરત કલ્યાણભાઇ વિજાણી, સ્વ. સભાઇબાઇ આશારિયા કાનાણી પરિવાર, સ્વ. પ્રમાબાઇ લખમણભાઇ
મંધુડા, સ્વ. કંકુબેન રામજીભાઇ વાડિયાનો આર્થિક સહયોગ મળ્યો હતો.
કાઠડા ગામનો આ સેવાયજ્ઞ સમગ્ર કચ્છ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય
ગામો માટે પણ અનુસરવા યોગ્ય મોડેલ બની રહ્યો છે.