• ગુરુવાર, 30 જુલાઈ, 2026

ગુંદાલા પાસે ટેન્કરે બાઇકને ટક્કર મારતાં યુવાનનું કરુણ મોત

ભુજ, તા. 29 : મુંદરાના ગુંદાલા પાસે આજે સવારે ટેન્કરે બાઇકચાલક 25 વર્ષીય યુવાન જયપાલસિંહ મહોબતસિંહ જાડેજા (રહે. ગુંદાલા, મૂળ વડવા કાંયા)ને ટક્કર મારતાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. બીજીતરફ આજે સવારે અબડાસાની સાંઘી જેટી ઉપર બોઇલ મશીનમાં કામ કરતી વેળાએ ઉત્તરપ્રદેશના 24 વર્ષીય શ્રમિક સૂરજસિંહ સતીશ કશ્યપને વીજશોક લાગતાં તેનું મૃત્યુ થયું હતું. પ્રાગપર પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે સવારે જયપાલસિંહ જાડેજા તેની બાઇક નં. જી.જે.-12-ઇ.કે.- 6480માં પેટ્રોલ ભરાવા નીકળ્યો હતો ત્યારે મુંદરા-અંજાર હાઇવે ગુંદાલા સીમમાં વડવાળા ટી હાઉસ સામે પુલિયા પાસે પહોંચતાં પાછળથી ટેન્કર નં. જી.જે.-12-બી.વી.-7595એ ટક્કર મારતાં જયપાલસિંહને માથાંમાં ગંભીર પ્રકારની ઇજા પહોંચી હતી. આથી તેને મુંદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. ટી.વી.એસ. ફાયનાન્સ કંપનીમાં કામ કરતા જયપાલસિંહની હજુ ત્રણ માસ પૂર્વે જ સગાઇ થઇ હતી. આ બનાવનાં પગલે પરિવારમાં કરુણાંતિકા સર્જાઇ હતી. મૃતકના પિતા મોહબ્બતસિંહ જાડેજાએ ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો હતો. બીજીતરફ અબડાસાના સાંઘીપુરમની શ્રમિક વસાહતમાં રહેતો મૂળ ઉત્તરપ્રદેશનો 24 વર્ષીય યુવાન સૂરજસિંહ કશ્યપ આજે સવારે 11.30 વાગ્યાના અરસામાં સાંઘી જેટી ઉપર બોઇલ મશીનમાં કામ કરતો હતો ત્યારે શોર્ટસર્કિટ થતાં તેને શોર્ટ લાગતાં સારવાર અર્થે નલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા. આ અંગે વાયોર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. 

Panchang

dd