નવી દિલ્હી, તા. 29 : ભારત દુનિયાની
સૌથી વસ્તી ધરાવતો દેશ છે અને 145 કરોડથી વધારે
વસતી છે. બદલાતાં જીવનધોરણના લાઇફસ્ટાઇલનાં કારણે દેશમાં લિવર, કિડની અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટની મોટાપાયે
જરૂરિયાત છે. ભારત દર વર્ષે દુનિયાના કુલ ટ્રાન્સપ્લાન્ટના 33.33 ટકા પ્રત્યારોપણ કરે છે, પણ તે પૂરતું નથી. દેશમાં દર વર્ષે ચાર લાખ
કિડની, લિવર, હૃદય અને ફેફસાંનાં પ્રત્યારોપણ
જરૂરિયાત છે, પણ થઈ શકતું નથી. ભારત દુનિયામાં સૌથી વધારે અંગ
પ્રત્યારોપણ કરનારા દેશોમાં ત્રીજાં સ્થાને હોવા છતાં પણ ખૂબ જ ઓછા દર્દીઓને પ્રત્યારોપણની
સુવિધા મળી શકે છે. ઇન્ટરનેશનલ મેડિકલ જર્નલ
લેન્સેટના રિજનલ હેલ્થ સાઉથ ઇસ્ટ એશિયાના હેવાલમાં ભારતમાં અંગ પ્રત્યારોપણની જરૂરિયાત
અને કમીના તફાવત અંગે માહિતી આપવામાં આવી છે. હેવાલ અનુસાર વર્ષ 2021માં દેશમાં લિવર, કિડની, હૃદય અને ફેફસાંના
ટ્રાન્સપ્લાન્ટને મેળવીને કુલ 3.9 લાખ પ્રત્યારોપણની જરૂરિયાત હતી. વધતી ઉંમર, ખરાબ જીવનશૈલી અને ગંભીર બીમારીઓનાં કારણે વર્ષ
2040 સુધીમાં આ માંગ 4.63 લાખ સુધી પહોંચી શકે તેમ છે.
અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 2021માં જેટલા કિડની ટ્રાન્સપ્લાન્ટની
જરૂરિયાત હતી, તેમાંથી માત્ર 7.2 ટકા જ થઈ શકી હતી. લિવર ટ્રાન્સપ્લાન્ટ
કુલ માંગના દોઢ ટકા, ફેફસાંનું
પ્રત્યારોપણ ટ્રાન્સપ્લાન્ટ 1.2 ટકા અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કુલ જરૂરિયાતના માત્ર 0.2 ટકા થઈ શક્યા હતા. આ ઉપરાંત
ભારતમાં કિડનીના મુકાબલે લિવર પ્રત્યારોપણની માંગ વધી છે. 2021મા 1.26 લાખ દર્દીને કિડની, 1.85 લાખને લિવર
ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત હતી. વધુમાં અંગ પ્રત્યારોપણમાં દિલ્હી, કેરળ, તેલંગાણા,
મહારાષ્ટ્રમાં માંગ 80થી 96 ટકા છે.