• શનિવાર, 21 માર્ચ, 2026

અમેરિકા સાથે વેપારસંધિ મુલતવી રાખવાનું યોગ્ય

ઈરાન સામે એક લાંબો જંગ ચલાવી રહેલા અમેરિકાને વેપારી મોરચે પણ બે પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ મલેશિયાએ અમેરિકા સાથેના વેપાર કરારને રદ જાહેર કર્યો છે, તો બીજી તરફ ભારતે પણ વેપાર કરાર પર હસ્તાક્ષરે વિલંબમાં મુક્યા છે. ફેબ્રુઆરી મહિનામાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલગ-અલગ દેશો પર લાદેલી ટેરિફને ગેરકાયદે જાહેર કરાયાને પગલે મલેશિયાએ આ પગલું લીધું છે, તો ભારતે પણ નવા વૈશ્વિક ટેરિફ માળખાંની જાહેરાત થાય તે પછી જ અમેરિકા સાથેની વચગાળાની ટ્રેડ ડીલ પર મહોર અટકાવી દીધી છે. આમ તો અમેરિકા સાથેના આ કરાર અંગે ગયા મહિને જ સંમતિ સધાઈ હતી, પણ તેમાં અમુક શરતો અંગે આરંભથી જ સવાલો ઊભા થયા હતા. અમેરિકાએ જે માળખાંમાં રહીને ટેરિફ નક્કી કરવાની દરખાસ્ત કરી હતી, તે ભારત માટે નુકસાની ઊભી કરી શકે એવી છાપ ઊભી થઈ હતી. એવા પણ સંકેત મળી રહ્યા હતા કે, આ મામલે ભારત અમેરિકાને ફેરવિચાર માટે આગ્રહ કરી શકે છે, પણ હવે ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ટેરિફનું નવું વૈશ્વિક માળખું તૈયાર થશે નહીં ત્યાં સુધી આ વચગાળાના વેપાર કરાર પર હસ્તાક્ષર થશે નહીં. ભારત સાથેના અમેરિકાના આ કરારના સંદર્ભમાં મલેશિયાએ લીધેલા વલણ જેવી જ સ્થિતિ કારણરૂપ છે. અમેરિકાની સર્વોચ્ચ અદાલતે જૂના ટેરિફના દરને અમાન્ય જાહેર કર્યા બાદ ટ્રમ્પ સરકારને તેના વૈશ્વિક વેપાર માળખાં માટે વેરાના નવા દર નક્કી કરવાની જરૂરત ઊભી થઈ છે.  ભારત સાથેના કરારમાં પણ ટેરિફના દર નક્કી કરવાના સમાન માપદંડ ન હોવાને લીધે ભારત માટે તે અનુકુળ થાય તેમ ન હતી.  બંને દેશ વચ્ચે આ કરારના મુદ્દા અંગે વાટાઘાટો આગળ વધી રહી છે, પણ હવે હાલની પરિસ્થિતિઓને ધ્યાને લઈને ભારત આ કરારના માળખાંને બદલવા માટે દબાણ કરી શકે છે. ખાસ તો અમેરિકાએ આ કરારના મુસદ્દામાં ટેરિફના દરોની સાથોસાથ ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદશે નહીં એવી શરત પણ હતી.  ભારત માટે આ એક મુશ્કેલ સ્થિતિ હતી.  પણ છેલ્લા થોડા દિવસ અગાઉ આરબ દેશોની સ્ફોટક સ્થિતિને લીધે ક્રૂડ તેલનો પુરવઠો રૂંધાયો છે, ત્યારે આ શરત સામે સવાલ પણ ખડા થયા હતા. અમેરિકાએ થોડા સમય માટે ભારત રશિયા પાસેથી ક્રૂડ તેલ ખરીદીને પોતાની જરૂરત પૂરી કરી શકે છે એવી જાહેરાત પણ કરી હતી. હવે અમેરિકાને તેના યુદ્ધના ખર્ચને પહોંચી વળવા આર્થિક વેપારને વધારવાની તાતી જરૂરત ઊભી થશે. આવા સંજોગોમાં ભારતે પોતાના હિતોને જાળવીને નવી શરતો સાથે નવા કરાર માટે કમર કસવાની જરૂરત રહેશે. હાલની તકે વચગાળાના કરાર પર હસ્તાક્ષર રોકીને ભારતે યોગ્ય પગલું લીધું છે.  વાટાઘાટોના ચાલતા દોરમાં ભારતે હવે હાલની વૈશ્વિક સ્થિતિને ધ્યાને લેવાની સાથોસાથ અમેરિકાની નવા ટેરિફ માળખાંની રાહ જોવાનું લીધેલું વલણ પરિપક્વતા દર્શાવે છે.    

Panchang

dd