યુદ્ધના કેટલાક વણલખ્યા નિયમો હોય છે અને કેટલાંક માન્ય ધોરણો
હોય છે, પણ અત્યારે વિશ્વનાં વિવિધ સ્થળે ચાલી રહેલાં
યુદ્ધ જેવા સંઘર્ષો અને ઘર્ષણોમાં માનવતા નેવે મુકાઈ ગઈ હોવાનું જોવા મળે છે. અફઘાનિસ્તાનના
પાટનગર કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર પાકિસ્તાને કરેલા હવાઈ હુમલામાં
400થી વધુ લોકોનાં મોત થયાં છે
અને સેંકડો ઇજાગ્રસ્ત થયા છે. પાકિસ્તાને ઇરાદાપૂર્વક હોસ્પિટલ પર હુમલો કર્યો હોવાનું
નકાર્યું છે. જો કે, આ એકમાત્ર
કિસ્સો નથી. 14મી માર્ચે
ઇઝરાયલે કરેલી એર સ્ટ્રાઈકમાં લેબેનોનની એક હેલ્થકેર સુવિધામાં 12 ડોક્ટર, નર્સ અને પેરામેડિક્સના જીવ ગયાના સમાચાર છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આંકડા અનુસાર, માર્ચ મહિનાની શરૂઆતથી
અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 27 હુમલા સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ પર થયા છે અને તેમાં 31 જેટલા લોકોના જીવ ગયા છે. અમેરિકા-ઇઝરાયલે
ઈરાન પર કરેલા સંયુક્ત હુમલાના પહેલા જ દિવસે ઈરાનના મિનાબ શહેરની છોકરીઓની પ્રાથમિક
શાળા પર પડેલી મિસાઈલમાં સાતથી બાર વર્ષની વયની દીકરીઓ સહિત કુલ 170 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
યુદ્ધ ગુનાઓમાં કઈ-કઈ બાબતો આવે એ વિશે આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને નિયમો સ્પષ્ટ હોવા
છતાં છેલ્લાં થોડાં વર્ષોથી લશ્કરી મથકો કે આતંકવાદીઓના અડ્ડાની આડમાં હોસ્પિટલો પર
હુમલા વધ્યા હોવાનું જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય કાયદા અને એમાંય 1864માં અપનાવવામાં આવેલા મૂળ જીનિવા
કન્વેન્શન અનુસાર, જીવન માટે
આવશ્યક એવાં માળખાં પર હુમલો કરી શકાય નહીં. વળી, ડોક્ટર્સ,
નર્સીસ અને પેરામેડિક્સને સુરક્ષા આપવી જોઈએ. કાયદા ઉપરાંત નૈતિક દૃષ્ટિએ
પણ નિર્દોષ નાગરિકો પર હુમલો કરવો એ અપરાધ છે, પણ વાસ્તવિકતા
છે કે, 2022થી અત્યાર સુધીમાં એકલા યુક્રેનમાં
જ મેડિકલ સુવિધાઓની 2881 જેટલી જગ્યા
પર હુમલા થયા છે. ઇઝરાયલ સતત આક્ષેપ કરે છે કે, હિઝબુલ્લાહ અને હમાસ તબીબી માળખાંનો ઉપયોગ મિલિટરી કાર્ય માટે કરે છે. એક કાળે
આવાં સ્થળો પર હુમલો થાય તો તેને મિસટેકન એટેક તરીકે ઓળખવામાં આવતા, પણ હવે તો ટાર્ગેટેડ હુમલા ગીચ શહેરી વિસ્તારો પર થતા હોવાનું ચલણ છે. દક્ષિણ
સુદાન, યુક્રેન, ગાઝા અને હવે ઈરાન તથા
લેબેનોનમાં આવી સુવિધાઓ પર હુમલા સામાન્ય બની ગયા છે. મિલિટરી કામ માટે હોસ્પિટલનો
ઉપયોગ થતો હોય, એટલા માત્રથી તેના પર હુમલાનો પરવાનો મળી જતો
નથી, આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદા અનુસાર, આવી જગ્યાનો દુરુપયોગ થતો હોય તો એ અટકાવવા માટે વોર્નિંગ સાથે વાજબી સમય આપવો
જોઈએ. જો કે, અત્યારે તો આ નિયમો પોથીમાંનાં રીંગણાં સાબિત થાય
છે અને બળિયાના બે ભાગ એકમાત્ર નિયમ બની ગયો છે.