નવી દિલ્હી, તા. 20 : આઇપીએલ-2026 સિઝન શરૂ થવા આડે હવે ગણતરીના
દિવસો બાકી રહ્યા છે. 28 માર્ચથી શરૂ
થઇ રહેલી આઇપીએલની 19મી સિઝન અગાઉ
મોટાભાગની ટીમો ખેલાડીઓના ઇજાની સમસ્યાનો સમાનો કરી રહી છે. અત્યાર સુધીમાં ઓછામાં
ઓછા અડધો ડઝન વિદેશી ખેલાડીઓ ઇજા અને ફિટનેસ સમસ્યાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયા
છે, જ્યારે પેટ કમિન્સ અને જોશ હેઝલવૂડનું આઇપીએલમાં
હિસ્સો બનવું નિશ્ચિત નથી. બન્ને કદાચ બીજા ભાગથી તેમની ટીમ એસઆરએચ અને આરસીબીને સેવા
આપી શકે છે. લંકાનો જુનિયર મલિંગા કહેવાતો પથિરાના પણ ઇજાને લીધે કેકેઆર ટીમ સાથે આખરી
તબક્કામાં જોડાશે તેવા રિપોર્ટ છે. આ દરમિયાન રાજસ્થાન રોયલ્સ ટીમને મોટો ફટકો પડયો
છે. ઇંગ્લેન્ડનો અનુભવી ઓલરાઉન્ડર સેમ કરન સ્નાયુ ખેંચાઈ જવાથી પૂરી સિઝન માટે બહાર
થઇ ગયો છે. કિવીઝ ફાસ્ટ બોલર લોકી ફરગ્યૂસન પણ આઇપીએલના પ્રારંભે પંજાબ ટીમ તરફથી રમવાનો
નથી. સીએસકે ટીમને ફટકો પડયો છે. ઓસ્ટ્રેલિયન બોલર નાથન એલિસ આઇપીએલ સિઝનની બહાર થઇ
ગયો છે. સનરાઇઝર્સ હૈદરાબાદમાં સામેલ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર જેક એડવર્ડ પણ ઇજાને લીધે
આઇપીએલનો હિસ્સો બનશે કે નહીં તે નિશ્ચિત નથી. ઇંગ્લેન્ડની ટી-20 વર્લ્ડ કપ ટીમનો ખેલાડી સેમ
કરન સીએસકેમાંથી આ વખતે રાજસ્થાન રોયલ્સમાં સામેલ થયો હતો. સંજૂ સેમસનના બદલામાં સીએસકેએ
રવીન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાનને આપ્યા હતા. તે ગ્રોઇન ઇન્જરીને લીધે આઇપીએલનો
હિસ્સો બની શકશે નહીં. રાજસ્થાન રોયલ્સના આ ખેલાડીના વિકલ્પની શોધમાં છે. તે પાછલી
સિઝનમાં 2.4 કરોડના કરાર સાથે સીએસકે તરફથી
રમ્યો હતો અને પાંચ મેચમાં ફક્ત 1 વિકેટ લીધી
હતી અને 114 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડનો
ઝડપી બોલર લોકી ફરગ્યૂસન શરૂઆતમાં પંજાબ કિંગ્સ ટીમ સાથે જોડાશે નહીં. તે હાલમાં જ
પિતા બન્યો છે અને છુટ્ટી લેવાનો છે. તેનું કહેવું છે કે ફિટનેસ પર ધ્યાન આપવા મારે
આમ પણ બ્રેકની જરૂર હતી. ઓકશનમાં પંજાબ કિંગ્સ ટીમે લોકી ફરગ્યૂસનને 4.2 કરોડમાં ખરીદ્યો હતો. સીએસકેની
પણ ચિંતા વધી છે. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર નાથન એલિસ ઇજાને લીધે આઇપીએલમાંથી આઉટ થયો
છે. તેના સ્થાને હજુ સુધી અન્ય કોઇ ખેલાડી સીએસકે ટીમમાં સામેલ થયો નથી. સીએસકે ફ્રેંચાઇઝીએ
તેને બે કરોડમાં ખરીદ્યો હતો. - ત્રણ કરોડમાં ખરીદાયેલો એડવર્ડ અનફિટ : 25 વર્ષીય કાંગારુ ઝડપી બોલર
જેક એડવર્ડને સનરાઇઝર્સ હૈદરાબાદે ત્રણ કરોડમાં ખરીદ્યો હતો. તે આ સિઝનમાં આઇપીએલમાં
પદાર્પણ કરવાનો હતો, પણ હાલ તે
અનફિટ છે. આથી બાદમાં તે હૈદરાબાદ ટીમ સાથે જોડાશે. તેણે બીબીએલની પાછલી સિઝનમાં 13 મેચમાં 19 વિકેટ લીધી હતી.