ઇરાન પરના આક્રમણના 18મા દિવસે ઇઝરાયલે ઇરાનની સર્વોચ્ચ સુરક્ષા પરિષદના વડા અલી લારીજાનીને
મોતને ઘાટ ઉતારી દેતાં યુદ્ધની સ્થિતિ વધુ વણસે એવી ભીતિ સેવાઇ રહી છે. અમેરિકા-ઇઝરાયલ
લક્ષ્યો પર સચોટ પ્રહાર કરી રહ્યા છે. આયાતોલ્લા ખોમેનીને ખતમ કર્યા પછી તેમનું સ્થાન
લેનાર સુપ્રીમ લીડર મોજતબા ખોમેનીને પણ ગંભીર ઇજા પહોંચ્યાની વાત છે. ઇઝરાયલના આ દાવાને
સમર્થન નથી મળ્યું તેમ તેહરાન તરફથી નનૈયોએ નથી થયો. એ અનિશ્ચિતતા વચ્ચે અલી લારીજાની
ઉપરાંત બસીઝ કમાન્ડર સુલેમાનીના ખાતમાથી ઇરાનને મોટો ફટકો પડયો છે. રાજદ્વારી સૂત્રો
માને છે કે, ઉપરાઉપરી ફટકામાં ઇરાનની
નેતૃત્વ હરોળ પડી ભાંગી છે. આ સ્થિતિમાંય તે
શરણાગતિ કરે એવા કોઇ અણસાર નથી. તેથી ઊલટું અખાતી દેશો પર મિસાઇલ હુમલા વધારી નાખ્યા
છે. અમેરિકા પણ યુદ્ધ ખતમ કરવા મરણિયું બન્યું છે. ઘર મોરચે વધતી મોંઘવારી અને ઇંધણના
મોંઘા દામને લીધે ટ્રમ્પ ઘેરાઇ ચૂક્યા છે. હોર્મુઝમાં ઇરાને બરોબરનો મોરચો માંડયો છે.
મરણિયા બનેલા ઇરાન માટે હોર્મુઝનો કબજો અસ્તિત્વની લડાઇ છે. ટ્રમ્પે હોર્મુઝ ક્ષેત્રમાં
ઇરાની ઠેકાણાઓને બંકર-બસ્ટર બોમ્બથી નિશાન બનાવ્યાં છે. વળતી કાર્યવાહીમાં ઇરાને એકસોથી
વધુ મિસાઇલ દાગ્યાં. વિશ્વ મંચ પર ટ્રમ્પ એકલા પડી ગયા છે. ઇઝરાયલ અને તેના રાષ્ટ્રપ્રમુખ
નેતન્યાહુ ટ્રમ્પની આરતી ઉતારે છે. એક વર્ગ એવું માને છે કે, ઇરાન સાથે જંગ છેડવાની કોઇ જરૂર નહોતી. યુદ્ધ ઉન્માદ ટ્રમ્પની બીમારી છે. લાગે
છે કે, તેઓ દુનિયાને અમેરિકાની તાકાત અને મિજાજથી ડરાવવા માગે
છે, પણ પરિસ્થિતિ હવે બદલાઇ ગઇ છે. વિશ્વ વ્યવસ્થામાં મોટો ચેન્જ
આવ્યો છે. અમેરિકા કે બીજા કોઇ એકલ-દોકલ દેશને દાદ મળે એવી સંભાવના રતીભરે નથી રહી.
નાટો દેશોએ હોર્મુઝમાં યુદ્ધ જહાજ મોકલવાનો ટ્રમ્પનો અનુરોધ ઠુકરાવી દીધો છે. ધૂંધવાઇ
ગયેલા ડોનાલ્ડે કહી દીધું મને કોઇની જરૂર નથી. એકંદરે પરિસ્થિતિ વિસ્ફોટક છે અને દુનિયાને
ચિંતામાં મૂકી દીધી છે. ભારત જેવા વિશાળ દેશ માટે તેલ-ગેસની અછતની ભીતિ સતાવી રહી છે.
હોર્મુઝ સ્ટ્રેટમાંથી સહી સલામત નીકળીને બીજું ભારતીય એલપીજી જહાજ કંડલા પહોંચ્યું
અને ત્રીજું કચ્છ તરફ આવી રહ્યું છે. સરકારે તેલ સંકટ ઓસરી ગયાનો દાવો કર્યો છે. હકીકત
એ છે કે, મોતની ટનલ બની ગયેલી હોર્મુઝ ખાડીમાં હજુએ 22 જહાજ ફસાયેલાં છે. યુદ્ધ શરૂ
થયું એ વખતે 28 ભારતીય ત્રિરંગાવાળાં જહાજ
ત્યાં હતાં. આ બધા જહાજ એલપીજીનાં છે, એ ભારત પહોંચે નહીં ત્યાં સુધી અછતનો ડર રહેવાનો જ. ઇરાનને દુનિયાની પડી નથી.
એ મરણિયું બન્યું છે. ભારત તેનું મિત્ર હોવા છતાં હોર્મુઝ પસાર કરનાર બધાં જહાજ તેને
શત્રુનાં જ લાગવાના. આવનારા દિવસો હજુ મુશ્કેલીભર્યા રહેશે. ભારતની મુત્સદીગીરીની કસોટી
થવાની.