મુંબઇ, તા. 20 : વન-ડે વિશ્વ કપને હજુ એક વર્ષથી
વધુનો સમય છે, પણ ટીમ ઇન્ડિયાએ અત્યારથી
તૈયારી આરંભી છે. બીસીસીઆઇએ વન-ડે વિશ્વ કપ-2027ના સંભવિત 20 ખેલાડી પણ કામ કરવું શરૂ કરી દીધું છે. આ માટે અજિત અગરકરની
આગેવાનીમાં પસંદગીકારો આઇપીએલ દરમિયાન ખેલાડીઓના ફોર્મ અને ફિટનેસ પર નજર રાખશે. બીસીસીઆઇ
આ જવાબદારી અગરકર સિવાયના અન્ય પસંદગીકારો શિવસુંદર દાસ, આર. પી. સિંઘ, અજય રાત્રા
અને પ્રજ્ઞાન ઓઝાને સોંપી છે. આઇસીસી વન-ડે વર્લ્ડ કપ આવતા વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં
દ. આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયાની ધરતી પર રમાવાનો છે. પસંદગી
સમિતિના સભ્યો તેમનાં ક્ષેત્રમાં આઇપીએલની મેચોમાં ઉપસ્થિત રહેશે. જ્યારે બાકીના સભ્યો
ટીવી પર મેચ નિહાળશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે ટીમ ઇન્ડિયાના બે સિતારા ખેલાડી રોહિત
શર્મા અને વિરાટ કોહલી 2027નો વિશ્વ
કપ રમી વિદાય લેવા માગે છે. તેઓનું લક્ષ્ય વિશ્વ કપ વિજેતા બની સંન્યાસ લેવાનું છે.
આઇપીએલ દરમિયાન આ બન્નેનાં ફોર્મ અને ફિટનેસ પસંદગીકારોના સ્કેનર પર રહેશે. બીજી તરફ
હવે એવા પણ ખબર સામે આવી છે કે, મુખ્ય
પસંદગીકાર અજિત અગરકરે તેમના કાર્યકાળમાં વધારો માગ્યો નથી. બીસીસીઆઇના એક અધિકારીએ
જણાવ્યું કે, હાલ આ મુદે કોઇ વિચારણા થઇ રહી નથી. આ ઉપરાંત એવી
પણ સ્પષ્ટતા કરી કે અફઘાનિસ્તાન સામેની એકમાત્ર ટેસ્ટ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો હિસ્સો
ન હોવા છતાં ભારત તેની સર્વશ્રેષ્ઠ ટીમ ઉતારશે. અફઘાનિસ્તાન સામેની 3 મેચની વન-ડે શ્રેણીમાં ઉપલબ્ધ સર્વશ્રેષ્ઠ
ટીમ રમશે. ટેસ્ટ મેચ ચંડીગઢમાં 10 જૂનથી રમાશે.