નાગપુર, તા.20 : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે આજે જણાવ્યું
હતું કે દુનિયામાં સંઘર્ષોનું સાચું કારણ સ્વાર્થી હિત અને વર્ચસ્વની ઈચ્છા છે. કાયમી
શાંતિ માત્ર એકતા, અનુશાસન અને
ધર્મને માનવાથી જ મેળવી શકાતી હોય છે. ભાગવતે નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયનું
ખાતમુહૂર્ત કર્યા બાદ સંબોધનમાં જણાવ્યું હતું કે છેલ્લા બે હજાર વર્ષથી દુનિયાએ સંઘર્ષોને
ઉકેલવા અનેક પ્રયાસ કર્યા છે પરંતુ તેને બહુ
ઓછી સફળતા મળી છે. સદભાવમાં વિશ્વાસ રાખવો એ જ ભારતનો સ્વભાવ હોવાથી આખી દુનિયામાંથી
અવાજ ઊઠી રહ્યો છે કે ભારત જ ઈરાન-ઈઝરાયલ યુદ્ધ રોકવામાં મદદ કરી શકે છે એમ ભાગવતે
કહ્યું હતું.સંઘ વડાએ કહ્યું હતું કે ભારતના લોકો માનવતાના નિયમ પર ચાલે છે જ્યારે
બાકી દુનિયા જંગલના કાયદામાં માને છે. અસ્થિર દુનિયાને ધર્મનો પાયો આપી તેમાં સંતુલન
સ્થાપવું એ જ આપણું કામ છે. ભાગવતે કહ્યું
કે ધાર્મિક અસહિષ્ણુતા, બળજબરીથી ધર્મ પરિવર્તન અને ઊંચ-નીચની
ભાવના આજે પણ મોજૂદ છે. ભારતનું પ્રાચીન જ્ઞાન આપણને સમજાવે છે કે બધા એકબીજાથી જોડાયેલા
છે અને એક છે.