• શનિવાર, 21 માર્ચ, 2026

495 કિલો હેરોઈનના કેસમાં આરોપીને સાત વર્ષ બાદ હાઈકોર્ટે જામીન આપ્યા

અમદાવાદ, તા. 20 (અમારા પ્રતિનિધિ તરફથી) : પાકિસ્તાનથી ગુજરાતના રસ્તે પંજાબ સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો છે. વર્ષ 2018માં ગુજરાત એટીએસ દ્વારા સલાયા બંદરેથી ઝડપાયેલા 495 કિલો હેરોઈન કેસમાં સંડોવાયેલા આરોપી રફીક સુમરાને હાઈકોર્ટે જામીન પર મુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ કેસની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી કરી રહી હતી, પરંતુ આરોપી ઓગસ્ટ 2018થી એટલે કે છેલ્લા સાત વર્ષથી જેલમાં હોવાથી અને ટ્રાયલમાં વિલંબ થઈ શકે તેમ હોવાથી કોર્ટે આરોપીને રાહત આપી છે. ગુજરાત હાઇકોર્ટમાં એનઆઈએએ નોંધેલા એનડીપીએસ કેસમાં આરોપી રફીક સુમરાએ જામીન અરજી દાખલ કરી હતી. અદાલતમાં સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરતાં જણાવ્યું હતું કે, રફીક છેલ્લાં સાત વર્ષથી વધુ સમયથી જેલમાં છે. અત્યાર સુધીમાં માત્ર 46 સાહેદની જ તપાસ પૂર્ણ થઈ છે, જ્યારે 134 સાહેદની જુબાની હજુ બાકી છે. ટ્રાયલ નજીકના ભવિષ્યમાં પૂર્ણ થાય તેમ જણાતું નથી. કાયદાકીય જોગવાઈઓ મુજબ લાંબા સમય સુધી કેદીને ટ્રાયલ વગર જેલમાં રાખવો તે તેના મૂળભૂત અધિકારોનું હનન ગણાય, જેને ધ્યાને રાખીને હાઈકોર્ટે આરોપીની જામીન અરજી ગ્રાહ્ય રાખી હતી. સરકારી વકીલ અને એનઆઈએ દ્વારા જામીનનો વિરોધ કરતાં જણાવ્યું કે, આરોપી પાસેથી મોટાં પ્રમાણમાં હેરોઈન ઝડપાયું હતું. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરનું ડ્રગ્સ નેટવર્ક છે. તપાસમાં બહાર આવ્યું હતું કે, દુબઈમાં બેઠેલા અર્શદ રઝાકના ઈશારે આ ડ્રગ્સ પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે કચ્છના સલાયા બંદર લાવવામાં આવ્યું હતું. રફીક સુમરાના ગોડાઉનનો ઉપયોગ આ જથ્થો છુપાવવા માટે થતો હતો અને ત્યાંથી ઊંઝા એપીએમસી થઈને પંજાબના અમૃતસર આ જથ્થો મોકલવામાં આવતો હતો. જ્યાં સીમરનજીત સંધુ તેનું હેન્ડાલિંગ કરતો હતો. આ વ્યવહાર માટે આંગડિયા પેઢીઓ દ્વારા નાણાંની લેવડદેવડ કરવામાં આવતી હતી. 

Panchang

dd