• શનિવાર, 21 માર્ચ, 2026

ઔદ્યોગિકીકરણના વધતા વ્યાપ વચ્ચે ગ્રીન કેમેસ્ટ્રીનો અભિગમ જરૂરી

ભુજ, તા. 20 : કચ્છ યુનિવર્સિટીના રસાયણશાત્ર ભવન દ્વારા કે.સી.જી., ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા અનુદાનિત બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. ઉદ્ઘાટન સમારંભમાં ફોકિઆના  નિમિષભાઈ ફડકે, યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોર અને વિજ્ઞાન વિદ્યા શાખાના ડીન ડો. જ્યોતીન્દ્ર ભટ્ટ મંચસ્થ રહ્યા હતા. ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશન `ફોકિઆ'ના ચેરપર્સન નિમિષ ફડકેએ આ નેશનલ કોન્ફરન્સને આજના સમયની માંગ અને વિકાસના  દૃષ્ટિકોણથી એકદમ યોગ્ય ગણાવીને આધુનિક ઔદ્યોગિકીકરણમાં ગ્રીન કેમેસ્ટ્રિનો અભિગમ કેવો હોવો જોઈએ તે બાબતનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. કુલપતિ ડો. મોહન પટેલે આ કોન્ફરન્સને એક માધ્યમ ગણાવીને પીએચ.ડી. સંશોધનકારો, વિદ્યાર્થીઓ, જુદી-જુદી ઈન્ડસ્ટ્રીઝમાંથી આવેલ તજજ્ઞો દ્વારા વધુ ને વધુ સંશોધન થતું રહે અને સમાજ ઉપયોગી અને આજની જરૂરિયાતને પહોંચી વળવાનાં કાર્યમાં યુનિવર્સિટીનો ફાળો સતત વધતો રહે, તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. કુલસચિવ ડો. અનિલ ગોરે જણાવ્યું કે, આ ઉદ્યોગોના વિકાસ ફક્ત કેમેસ્ટ્રી દ્વારા વધ્યો છે અને હવે તેને સાચી રીતે `સસ્ટેનિબિલિટી - ડેવલપમેન્ટ' ગ્રીન કેમેસ્ટ્રી દ્વારા જ આપી શકાશે. કોન્ફરન્સના કો-ઓર્ડિનેટર ડો. જ્યોતીન્દ્ર ભટ્ટે આ નેશનલ કોન્ફરન્સનો મુખ્ય હેતુ સ્પષ્ટ કરતાં જણાવ્યું હતું કે, સસ્ટેનિબિલિટી - ડેવલપમેન્ટ ત્યારે જ શક્ય બને, જ્યારે યુનિવર્સિટી અને ઇન્ડસ્ટ્રીઝ સાથે મળીને ટેકનોલોજીનો ઉપયોગ ગ્રીન કેમેસ્ટ્રીનાં માધ્યમ દ્વારા કરીને અત્યારની જરૂરિયાત માટે નવા સંશોધનો કરી તેની પેટન્ટ મેળવી સમાજને પ્રદાન કરે. કાઝરી સંસ્થાના ડો. મનીષ કાવંત, પંજાબ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીના ડો. જાનદીપાસિંઘ, મહારાષ્ટ્ર અમરાવતી યુનિવર્સિટીના પ્રો. અનિક નાયકે, જૂનાગઢ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના પ્રો. એચ. પી. ગજેરા અને કચ્છ યુનિવર્સિટીના એન્વાયરન્મેન્ટ એન્ડ લાઇફ સાયન્સના હેડ ડો. મૃગેશ ત્રિવેદી દ્વારા વ્યાખ્યાન અપાયા હતા. ટેકનિકલ સેસન્સનું સંચાલન ડો. વિજય રામ અને ડો. ચિરાગ પટેલે કર્યું હતું. કુલ 57 જેટલા પ્રેઝન્ટેશન થયા હતા. સફળ થનારાને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપી એવોર્ડ-સર્ટિફિકેટ દ્વારા સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમનું સંચાલન ડો. ગિરીન બક્ષીએ કર્યું હતું. નેશનલ કોન્ફરન્સને સફળ બનાવવામાં કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોરનું માર્ગદર્શન રહ્યું હતું. રસાયણશાત્ર ભવનના શૈક્ષણિક કર્મચારી ડો. અજય રાઠોડ અને બિનશૈક્ષણિક કર્મચારીઓ ધૈર્યાબેન શાહ, સોનલ ડાંગેરા અને બિજલ શુક્લ, વાળા વિશ્વરાજ અને ઉષા પરમારનો સહયોગ રહ્યો હતો. 

Panchang

dd