ભચાઉ, તા. 20 : રાપર તાલુકાના ચિત્રોડ ગામે
ભાગવત કથાનો પ્રારંભ થયો હતો. આગામી 25 તારીખ સુધી યોજાનારી કથા દરમ્યાન વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉમંગભેર ઉજવણી કરવામાં
આવશે. પવિત્ર અને પાવન ધરા ચિત્રોડ ગામે સોમનાથ ધામ-વૃજવાટિકા, ચિત્રોડ ગામ, સમસ્ત ચિત્રોડ
ગ્રામજનો દ્વારા ધર્મભાવના અને ભક્તિરસથી ઓતપ્રોત ઐતિહાસિક આયોજન કરાયું છે. ગામના
ઇતિહાસમાં આ કથા એક આધ્યાત્મિક પર્વસમાન બની રહેશે, જેમાં મોટી
સંખ્યામાં ભાવિક ભક્તો કથાનો લાભ લઈ રહ્યા છે.
યુવાકથાકાર વક્તા શાસ્ત્રી ઉદયપ્રસાદ ગોરના વ્યાસાસનથી કથાના આરંભે ભક્તિ,
જ્ઞાન અને વૈરાગ્યનો સુમેળસભર સંદેશ અપાયો હતો. કથા દરમ્યાન કૃષ્ણ જન્મોત્સવ,
ગોવર્ધન લીલા, ભક્ત પ્રહલાદ જેવા ચરિત્રોના કથાપ્રસંગો
રજૂ કરીને સૌને ભાવવિભોર બનાવશે. કથાના પ્રારંભ પોથીયાત્રા નીકળી હતી. કચ્છ ભામાશા
બાબુભાઈ હુંબલ (શ્રીરામ ગ્રુપ), માનસ હનુમંત ધામના મહંત ભાનુપ્રસાદ ગોર, ભાણજીભાઈ
મામાદેવ, ઉમિયાશંકરભાઈ જોશી (સમસ્ત બ્રહ્મસમાજના પૂર્વ પ્રમુખ), લક્ષ્મણભાઈ પટેલ (રામ ઝરૂખો-રવ) વિગેરેના
હાથે દીપ પ્રાગટય કરાયું હતું. સમસ્ત ચિત્રોડ
ગ્રામજનો તેમજ સ્વામી બાલમુકુંદજી મહારાજના આશીર્વાદથી, દાતાઓ
અને સેવાભાવી યુવાનોના સહકારથી આ કથા મહોત્સવ યોજાઈ રહ્યો છે. આ આયોજનથી ગામમાં આધ્યાત્મિકતા,
એકતા અને સંસ્કારનો સુગંધિત માહોલ ફેલાયો છે.