ગાંધીધામ, તા. 20 : પૂર્વ કચ્છ એલ.સી.બી. પોલીસે ગાંધીધામમાં એક ગાડીમાંથી રૂા. 2.69 લાખની કિંમતના દારૂના જથ્થા
સાથે એક આરોપીની ધરપકડ કરી હતી. મીઠીરોહર જી.આઈ.ડી.સી.
ખાતેથી આરોપી દિલીપ મીણાના બોન્ડના વેરહાઉસમાંથી
ગાડીમાં દારૂનો જથ્થો ભરીને આવતી હોવાના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે
ભચાઉ-ગાંધીધામ ધોરીમાર્ગથી નીચે ઊતરતાં નૂરી મસ્જિદ તથા બસ સ્ટેશન રોડ ઉપર હનુમાન
મંદિર પાસેથી આઈ-20 ગાડી નં.
જીજે-39-સીબી-0106ને રોકાવીને છાનબીન આરંભી હતી.
દરમ્યાન આ વાહનમાંથી પાસ-પરમીટ વગરની વિદેશી
દારૂની અલગ-અલગ બ્રાન્ડની કુલ 70 બોટલ મળી આવી હતી, જેની કિંમત રૂા. 2,69,560 આંકવામાં
આવી હતી. પોલીસે વાહનચાલક આરોપી કુલદીપસિંહ
જયેન્દ્રસિંહ ઝાલાની એક મોબાઈલ ફોન, ગાડી સહિત કુલ રૂા. 7,74,560ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. આ ઉપરાંત આ ગુનામાં સામેલ આરોપી દિલીપ મીણા (વેરહાઉસવાળા), દારૂનો જથ્થો ભરાવનાર બંટી મીણા, દેવેન્દ્રસિંહ જાડેજા, દારૂનો જથ્થો મગાવનાર રાકેશભાઈ સહિતને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કરી
વધુ તપાસ આરંભી છે.