લખનઉ, તા. 23 : કમાલની કેપ્ટન ઈનિંગ રમતાં
શ્રેયસ અય્યરે ફટકારેલી તેની પ્રથમ આઈપીએલ સદીના બળે પંજાબ કિંગ્સે શનિવારે સાત વિકેટે
વિજય મેળવીને પ્લેઓફની આશા જીવંત રાખી હતી. લખનઉ સુપર જાયન્ટસે આપેલું 197નું લક્ષ્ય પંજાબે 12 દડા બાકી હતા ત્યારે જ આંબી
લીધું હતું. હવે રાજસ્થાન રોયલ્સની હાર થાય તેવું પંજાબ ઈચ્છશે.. કારણ કે, રોયલ્સ હારે
તો જ કિંગ્સ સ્પર્ધામાં ટકી શકે તેવી સ્થિતિ છે. લક્ષ્યવેધના લક્ષ્ય સાથે મેદાન પર
ઊતરેલી પંજાબે ખાતુ ખોલાવ્યા વિના દાવના પહેલા દડે જ પ્રિયાંશ આર્યના રૂપમાં પહેલી
અને 22 રને બીજી વિકેટ કુપર કોનોલીના
રૂપમાં ખોઈ દીધી હતી. ત્યારબાદ પ્રભસિમરન સિંહે 39 દડામાં સાત ચોગ્ગા, બે છગ્ગા સાથે દાવને ગતિ આપી હતી, પરંતુ
અર્જુન તેંડુલકરના દડામાં એલબીડબલ્યુ થતાં વિકેટ ખોઈ બેઠો હતો.મેન ઓફ ધ મેચ બનેલા સુકાની
શ્રેયસ ઐય્યરે છેલ્લા દડા સુધી ક્રિઝ પર અણનમ ટકી રહેતાં 51 દડામાં 11 ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે
101 રન ફટકારી દીધા હતા. શ્રેયસે
છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી હતી અને એ જ છગ્ગો ફટકારીને પંજાબને પ્રભાવશાળી જીત
અપાવી હતી. અગાઉ લખનઉએ જોશ ઇંગ્લિશના 72 અને આયુષ બદોનીના 43 રનની મદદથી 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 196 રન કર્યા હતા. લખનઉને બીજી ઓવરના પહેલા જ બોલે આશિષ કુલકર્ણીના
રૂપમાં ઝટકો લાગ્યો હતો. જે શૂન્યમાં પેવેલિયન
પરત ફર્યો હતો. બાદમાં અઝમતુલ્લાહ ઓમરઝઈ પણ બે રને આઉટ થયો હતો. આયુષ બદોની અને ઈંગ્લિશે
બાજી સંભાળી હતી. બંને વચ્ચે 69 રનની ભાગીદારી
હતી. બદોની 43 રન કરીને આઉટ થતા ભાગીદારી
તૂટી હતી. પંત પણ ફરી એક વખત ખાસ સ્કોર કરી શક્યો નહોતો અને 22 બોલમાં 26 રન કરીને ચહલનો શિકાર બન્યો
હતો. આ દરમિયાન ઈંગ્લિશે 44 બોલમાં
નવ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 72 રન કર્યા
હતા, જ્યારે અંતિમ ઓવરોમાં અબ્દુલસ સમદે સ્કોર આગળ ધપાવતા 20 બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 37 રન કર્યા હતા.