તા. 23 : અબડાસા તાલુકામાં ઇંધણની અછતને કારણે સ્થિતિ વણસી છે. પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે, દૈનિક ધોરણે વાહનચાલકોને પૂરતું ઇંધણ મળતું નથી. બુધવારે નલિયાના પેટ્રોલ પંપો પર એટલી ભીડ જામી કે, મુખ્ય હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો, પોલીસે તેને ખુલ્લો કરાવ્યો હતો. અબડાસામાં નમક અને સિમેન્ટ પરિવહન તેમજ ખેતીકામ માટે ડીઝલની મોટી જરૂરિયાત રહે છે. હાલની અછતને કારણે ટ્રાન્સપોર્ટરો અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફોર વ્હીલરમાં માત્ર રૂા. 500 અને ટુ વ્હીલરમાં રૂા. 100નું પેટ્રોલ ભરી દેવામાં આવે છે. જો આ પરિસ્થિતિ ચાલુ રહેશે, તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના પૈડાં થંભી જવાનો ભય છે.