વડાપ્રધાન નરેન્દ્ર મોદી
નોર્ડિક દેશોની મુલાકાતના અંતિમ ચરણમાં ઇટાલી પહોંચતાં તેમનો ઉમળકાભર્યો સત્કાર થયો
છે. ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથેના મૈત્રીપૂર્ણ વ્યવહારે સોશિયલ મીડિયાનું
ધ્યાન ખેંચ્યું છે. ભારત અને ઇટાલીના સંબંધો નિર્ણાયક દોરમાં પહોંચ્યા છે. બંને દેશ
વચ્ચે 15 યોજના-સમજૂતી કરાર થયા છે.
ઇટાલી પૂર્વ વડાપ્રધાને નોર્વે, સ્વિડન અને નેધરલેન્ડની મુલાકાત દરમ્યાન દ્વિપક્ષીય
બેઠકોમાં જે કરાર કર્યા અને જે કહ્યું એ ભારત માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. નેધરલેન્ડ
સાથેની સમજૂતીમાં બદલાતી વૈશ્વિક અર્થ-રાજનીતિ વચ્ચે ભારતની લાંબાગાળા માટેની રણનૈતિક
પુન:સ્થાપનાનો સંકેત છે. દુનિયાના એક ભાગમાં ભલે યુદ્ધની હિંસાનો અને અવિશ્વાસનો માહોલ
હોય, પણ સમજદાર અને પ્રગતિશીલ રાષ્ટ્રો પરસ્પર સહયોગનાં માધ્યમથી આગળ વધવા પ્રતિબદ્ધ
છે. નોર્ડિક દેશો અને ભારત વચ્ચેની નિકટતાનું એક લક્ષ્ય ચીની માલસામાન પરનું અવલંબન
ઘટાડવાનુંય છે. નેધરલેન્ડ યુરોપનું મહત્ત્વપૂર્ણ ટેકનિકલ-લોજિસ્ટિક કેન્દ્ર છે, તો
ભારત એક ઊભરતી ઉત્પાદન વ્યવસ્થા છે. ટેકનિકલ સહયોગ, સાધન-સરંજામની આપૂર્તિ અને ટેક્નોલોજી
હસ્તાંતરણ સુનિયોજિત રીતે ગોઠવાશે તો ભારત ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે ભૂમિકા
ભજવવા સક્ષમ છે. આવા પ્રયાસોથી મૂડીરોકાણ, ઉત્પાદન અને રોજગારી ક્ષેત્રે હકારાત્મક
પરિણામ જોવા મળશે. ભારત અને નેધરલેન્ડે ગ્રીન હાઇડ્રોજન અને હરિત ઊર્જા ક્ષેત્રે મહત્ત્વના
કરાર કર્યા છે. આ બે ક્ષેત્ર એવાં છે જેમાં ભારતે નોંધપાત્ર પ્રગતિ કરી છે અને ઊંચા
લક્ષ્યાંક રાખ્યા છે. એકતરફ ગ્લોબલ વોર્મિંગની ચિંતા, બીજીતરફ ખાડી યુદ્ધ-હોર્મુઝ કટોકટીએ
દુનિયાભરમાં સર્જેલી ઇંધણની અછત-ભાવમાં રોકેટ ગતિના વધારાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે,
ઊર્જાના બિનપરંપરાગત સ્રોત વિકસાવ્યા વિના ચાલે તેમ નથી. યુરોપમાં ઊર્જાની ખપત ઘણી
છે. મોદી સરકાર ભવિષ્યના દૃષ્ટિકોણ સાથે જુદા-જુદા રાષ્ટ્રો સાથે સમજૂતી કરીને ટેકનોલોજી
અને જાણકારીની સરળ ઉપલબ્ધતા સુનિશ્ચિત કરી રહી છે. ઇટાલીમાં બંને વડાપ્રધાન વચ્ચેની
મુલાકાત પછી દ્વિપક્ષીય રણનૈતિક સંબંધોનો નવો અધ્યાય શરૂ થયો છે. મોદી અને મેલોની ભારત
અને યુરોપીય સંઘ વચ્ચેની મુક્ત વેપાર સમજૂતી જલ્દી લાગુ થાય એ દિશામાં સક્રિય છે. એ
સાથે બંને દેશે પાંચ વર્ષ માટે તૈયાર કરેલા રોડમેપ હેઠળ વેપાર, ટેકનોલોજી અને સુરક્ષા
જેવાં ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનું નક્કી કર્યું છે. હવેનો યુગ ઝડપી ટેકનોલોજી
પરિવર્તનનો છે. અદ્યતન ટેકનોલોજી થકી પ્રગતિનો ગ્રાફ બદલાઇ જાય છે. ભારત-ઇટાલી ઇનોવેશન
સેન્ટર આ દિશામાં ચાવીરૂપ પહેલ પુરવાર થશે. વિશ્વ વ્યવસ્થા આજે પરિવર્તનના દોરમાંથી
પસાર થઇ રહી છે. દુનિયામાં ભૌગોલિક કે પારસ્પરિક હિતોને લઇને રચાયેલા જુદા-જુદા સંગઠનોની
મજબૂતાઇ નબળી પડી છે અથવા તો યુદ્ધખોર કે સ્વાર્થી વિચારસરણીએ ઐક્ય સામે પડકાર ઊભો
કર્યો છે, એવામાં ભારત અને ઇટાલીની ભાગીદારી ઉચ્ચ રાજનૈતિક અને સંસ્થાગત સ્તર પર નિરંતર
સંવાદ સાથે આગળ વધી રહી છે. બંને દેશ હજારો વર્ષ જૂની સંસ્કૃતિ ધરાવે છે અને વસુધૈવ
કુટુમ્બકમ્ની ભાવનામાં માનનારાં રાષ્ટ્રો છે. વડાપ્રધાન મોદીની મુલાકાત અને ઇટાલિયન
પીએમ મેલોનીના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળ સાથેની ચર્ચા-નિર્ણયો દ્વિપક્ષીય સંબંધો
સુદૃઢ બનાવશે.