નવી દિલ્હી, તા. 23 : તાજેતરમાં જ આમ આદમી પાર્ટીનો
સાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા
રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ફરી એકવાર ચર્ચામાં છે. ભાજપમાં જોડાતાની સાથે જ
રાઘવ ચઢ્ઢાનું રાજકીય કદ અચાનક વધી ગયું હોય તેમ તેમને સંસદમાં એક મોટી અને મહત્ત્વપૂર્ણ
જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જાહેર કરાયેલાં સત્તાવાર પરિપત્ર
અનુસાર, રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાની પ્રતિષ્ઠિત `અરજી સમિતિ' (કમિટી ઓન પિટિશન)ના અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યસભાના સભાપતિ સી.પી. રાધાકૃષ્ણને
20 મે, 2026થી પ્રભાવી બને તે રીતે આ
મહત્ત્વપૂર્ણ પેનલનું પુનર્ગઠન કર્યું છે અને ગૃહના 10 સભ્યને આ સમિતિ માટે નામાંકિત
કર્યા છે. રાઘવ ચઢ્ઢા હવે આ આખી સમિતિનું નેતૃત્વ કરશે. રાઘવ ચઢ્ઢા ઉપરાંત સમિતિના અન્ય સભ્યોમાં હર્ષ મહાજન,
ગુલામ અલી, શંભુ શરણ પટેલ, મયંકકુમાર નાયક, મસ્તાનરાવ યાદવ બીધા, જેબી માથેર હિશામ,
સુભાશિષ ખુંટિયા, રંગન્ના નારઝારી અને સંદેશકુમાર પી.નો સમાવેશ થાય છે. આ આખા રાજકીય ઘટનાક્રમની પૃષ્ઠભૂમિ બહુ
રસપ્રદ છે. આમ આદમી પાર્ટીના ટોચના નેતાઓમાં ગણાતા રાઘવ ચઢ્ઢા સહિત રાજ્યસભાના છ અન્ય
સાંસદે અચાનક પાર્ટીને અલવિદા કહી દીધી હતી. આ તમામ સાત સાંસદે 27 એપ્રિલ, 2026ના સત્તાવાર રીતે ભાજપનું
સભ્યપદ લઈ લીધું હતું. આ મોટા પક્ષપલટાને કારણે રાજ્યસભામાં 10 સાંસદનું સંખ્યાબળ ધરાવતી
આમ આદમી પાર્ટી પાસે હવે માત્ર ત્રણ જ સાંસદ બચ્યા છે, જે કેજરીવાલ માટે બહુ મોટો ફટકો
છે.