• રવિવાર, 24 મે, 2026

ઈરાન પર ફરી ત્રાટકવાની ટ્રમ્પની તૈયારી

વોશિંગ્ટન, તા. 23 : ઈરાન સાથે શાંતિ સમજૂતી અંગેના પ્રયાસો છેલ્લી ઘડીએ નિષ્ફળ જાય તો નવેસરથી હુમલા શરૂ કરવા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે `ગંભીરતાથી વિચારણા' શરૂ કરી હોવાનો દાવો ઝડપથી ઘટી રહેલા ઘટનાક્રમો વચ્ચે અમેરિકી મીડિયાએ કરતાં ઈરાનના મોરચે ફરી નવા-જૂની થવાનાં એંધાણ મળી રહ્યાં છે. કેમ કે, ટ્રમ્પે પોતાના તમામ સપ્તાહાંત કાર્યક્રમો ટૂંકાવી વ્હાઈટ હાઉસ પરત ફર્યા છે. તેઓ તેમના પુત્રનાં લગ્નમાં પણ સામેલ થશે નહીં. ટ્રમ્પે ઉચ્ચાધિકારીઓ સાથે વાટાઘાટોનો દોર પણ શરૂ કરી દીધો છે. ઈરાને અમેરિકાને સ્પષ્ટ જણાવી દીધું છે કે, કોઈ પણ `મૂર્ખતાપૂર્ણ' હરકતનો જવાબ આપવા અમારી સેના સંપૂર્ણ તૈયાર છે. દરમ્યાન, ટ્રમ્પે સોશિયલ મીડિયા પર ઈરાનના નકશા પર અમેરિકાના ઝંડા સાથેની તસવીર પોસ્ટ કરતાં દુનિયાભરમાં અમેરિકા કંઈક મોટું કરવા જઈ રહ્યાની ચર્ચા  ઊઠી છે. મીડિયા હેવાલોમાં એવો સંકેત અપાયો હતો કે, ટ્રમ્પ ઈરાન સામે નવા હુમલાની  તૈયારી કરી રહ્યા છે. સીબીએસ ન્યૂઝે જણાવ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર નવા હુમલાની યોજનાને ઓપ આપી રહ્યું છે. હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હેવાલ મુજબ અમેરિકી તંત્ર અને સેનાના અધિકારીઓને તેમની રજાઓ અને મેમોરિયલ -ડેની રજાઓ રદ કરી દેવામાં આવી છે અને વિદેશમાં તૈનાત અમેરિકી સૈન્ય મથકોને એલર્ટ રહેવા જણાવી દેવામાં આવ્યું છે. ટ્રમ્પે એવા સમયે ઉચ્ચાધિકારીઓ સાથે બેઠક યોજી છે, જ્યારે પાકિસ્તાની સેનાના વડા આસીમ મુનીર તેહરાન પહોંચ્યા છે અને શાંતિ સોદા માટે છેલ્લી અણીના પ્રયાસરૂપે કતારથી પ્રતિનિધિમંડળ સાથે જોડાવાના છે. ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે ટ્રમ્પે પોતાના તમામ ખાનગી કાર્યક્રમ રદ કર્યા છે. તેઓ ન્યૂ જર્સી જવાના હતા, પરંતુ અચાનક વોશિંગ્ટન પરત ફર્યા હતા. એટલું જ નહીં, તેમણે પોતાના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનાં લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ રદ કર્યો હતો. બીજી તરફ, ટ્રમ્પના એક વિશ્વાસુ સલાહકારે સોશિયલ મીડિયા પર બી-ટુ સ્ટીલ્થ બોમ્બર્સ વિમાનનો વીડિયો શેર કરતાં હુમલાની આશંકા વધુ બની છે. બીજીબાજુ મુનીરે આજે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોરના કમાન્ડર અને ઈરાની નિર્ણય પ્રક્રિયામાં મહત્ત્વની ભૂમિકા નિભાવતા જનરલ અહેમદ વાહિદી સાથે બેઠક કરી હતી. આ બેઠકોનો દોર ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતીને સાકાર કરાવવા માટેના છેલ્લા પ્રયાસો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. દરમિયાન ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ યુનોના મહામંત્રી એંટોનિયો ગુટેરેસ સાથે ફોન ઉપર વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું હતું, જેમાં શાંતિ વાટાઘાટોમાં અમેરિકાની વધુ પડતી માગણીઓ સૌથી મોટો વિક્ષેપ હોવાની વાત તેમણે  કરી હતી.  

Panchang

dd