ગાંધીધામ, તા. 23 : ભુજ- દિલ્હી વચ્ચે દૈનિક
ટ્રેન સેવાના આરંભ માટે કચ્છ આવેલા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરે મુંદરા પોર્ટ અને ભુજ-નલિયા
સેક્શન સહિતનાં સ્થળે મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. જનરલ મેનેજર રામાશ્રેય પાંડેયએ કચ્છની
બે દિવસની વ્યાપક મુલાકાત લઈને રેલવે પરિયોજનાઓ, માળખાંકીય વિકાસકાર્યો તથા ભાવિ યોજનાઓની
સમીક્ષા કરી હતી. આ દરમિયાન તેમણે ગાંધીધામ-મુંદરા
પોર્ટ સેક્શનનું નિરીક્ષણ વાહન દ્વારા વિન્ડો ટ્રેઈલિંગ નિરીક્ષણ કર્યું તથા ભુજ-નલિયા-વાયોર
રેલવે સેક્શનનું પણ સઘન નિરીક્ષણ કર્યું હતું. ગાંધીધામથી મુંદરા પોર્ટ વચ્ચે કરવામાં
આવેલાં નિરીક્ષણ દરમિયાન જનરલ મેનેજરે ગાંધીધામ વિસ્તારમાં ચાલી રહેલા વિવિધ રેલવે
પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે પશ્ચિમ રેલવે અમદાવાદના મુખ્ય વહીવટી
અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર વેદપ્રકાશ સહિત
નિર્માણ અને મંડળના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુંદરા પોર્ટની મુલાકાત દરમિયાન
જનરલ મેનેજરે એ.પી.એસ.ઈ.ઝેડ.ના સી.ઈ.ઓ. સુજલ
શાહ સાથે ટ્રેન કનેક્ટિવિટી તેમજ ટ્રેન સંચાલન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી
હતી. પોર્ટના મોડેલ રૂમમાં એ.પી.એસ.ઈ.ઝેડ.ના સી.ઓ.ઓ. મનોજ કતર દ્વારા મુંદરા પોર્ટના
વિકાસ અને છેલ્લાં 13 વર્ષોની
સિદ્ધિઓની માહિતી રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન રો-રો- ટર્મિનલનું અવલોકન પણ બોટના
માધ્યમથી કરવામાં આવ્યું હતું. જનરલ મેનેજરે એ.પી.એસ.ઈ.ઝેડ.ના અધિકારીઓ સાથે બેઠક કરીને રેલવે
તેમજ પોર્ટ વચ્ચેનાં સંકલન તથા ભવિષ્યની સંભાવનાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. શનિવારે
ભુજ-નલિયા-વાયોર રેલવે સેક્શનનું નિરીક્ષણ કર્યું
હતું. આ દરમિયાન તેમણે ભુજ-નલિયા સેક્શનમાં રેલવે ટ્રેક, લેવલ ક્રોસિંગ, મોટા
અને નાના પુલો, પોઈન્ટ્સ અને ક્રોસિંગ, સેક્શનમાં વળાંકો તથા સુરક્ષા માપદંડોને અનુરૂપ રેલવે માળખાંનું સઘન
નિરીક્ષણ કર્યું હતું, સાથે જ નલિયા સ્ટેશન તેમજ નલિયા-વાયોર નવી રેલવે લાઇન પરિયોજનાનાં
કાર્યોની પ્રગતિની પણ સમીક્ષા કરી હતી.