• રવિવાર, 24 મે, 2026

કરુણા દિવસે મૂંગા પશુઓને કતલખાનાં, હિંસાથી બચાવાશે

ભુજ, તા. 23 : જૈન સમાજ દ્વારા વિશ્વમાં વધતી હિંસા, અસંવેદનશીલતા અને મૂંગા પશુઓ પર થતા અત્યાચાર વચ્ચે માનવતાનો સંદેશ આપતા `કરુણા દિવસ'ની ઉજવણી કરાશે. અભિયાન નહીં, પરંતુ અનુકંપાનાં સૂત્ર સાથે તા. 28/5ના ઊજવવામાં આવનારા આ દિવસનો મુખ્ય ઉદ્દેશ વેદનાથી સંવેદના તરફ સમાજને દોરી જવાનો છે. વિશ્વમાં વસતા જૈન સમાજના લોકો દ્વારા જીવમાત્ર પ્રત્યે કરુણા, અહિંસા અને જીવદયાની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે. આ દિવસે વિશ્વભરમાં લાખો મૂંગા પશુઓને કતલખાનાં અને હિંસાથી બચાવવા માટે જીવદયા અભિયાન ચલાવવામાં આવતાં અસંખ્ય નિર્દોષ જીવોને નવું જીવન પ્રાપ્ત થાય છે. આ માટે જૈન ધર્મના તમામ સંપ્રદાયોના લોકો સહિતના વિવિધ ફિરકાઓના શ્રાવક-શ્રાવકીઓએ વ્યક્તિગત સ્તરે યથાશક્તિ અને યથાયોગ્ય આર્થિક ફાળો આપ્યો હતો. જિલ્લામાં હજારો જૈનો દ્વારા વ્યક્તિગત રીતે લાખો રૂપિયાનો ફાળો એકત્રિત કરાયો હતો. બચાવવામાં આવેલા પશુઓને વિવિધ પાંજરાપોળોમાં મોકલાશે. જ્યાં તેમની યોગ્ય સારવાર, સંભાળ અને રક્ષણની વ્યવસ્થા કરાશે. આજના સમયમાં જ્યારે વિશ્વ યુદ્ધો, હિંસા, માનસિક તણાવ અને પર્યાવરણ સંકટ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, ત્યારે કરુણા દિવસ માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ માનવજાતને સંવેદનશીલ બનાવવાનો વૈશ્વિક સંદેશ આપતા આ દિવસે એક સામાયિક તથા જીવદયા પ્રવૃત્તિ જેવાં કાર્યો કરાશે. સમાજના આગેવાનો દ્વારા વધુમાં વધુ લોકો આ મહાઅભિયાનમાં જોડાઈ જીવદયાનાં કાર્યમાં સહભાગી બને તેવો અનુરોધ કરવામાં આવ્યો છે, તેવું એક યાદીમાં જૈન અગ્રણી મહેશ મહેતાએ જણાવ્યું હતું. 

Panchang

dd