પશ્ચિમ બંગાળની ફાલટા બેઠક
પર ફેરમતદાનના બે દિવસ પહેલાં તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક ઉમેદવાર જહાંગીર ખાનની પીછેહઠ
ઘણું બધું કહી જાય છે. ચૂંટણી પૂર્વે ચૂંટણી નિરીક્ષકની સિંઘમ તરીકેની ઈમેજ સામે દક્ષિણ
ભારતીય ફિલ્મ પુષ્પાનો સંવાદ પુષ્પા ઝુકેગા નહીં... કહેનાર સ્થાનિક બાહુબલી જહાંગીર
ખાન ફેરમતદાનના ગણતરીના કલાકો પહેલાં મેદાન છોડી ગયા છે. ખાસ તો તૃણમૂલના મુખ્ય સચિવ
અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકના ગઢ ગણાતા દક્ષિણ 24 પરગણામાં આવું થવાને લીધે
પક્ષને વિધાનસભા ચૂંટણીમાં પરાજય પછી વધુ એક ઝટકો છે. જો કે, એકાએક નરમ પડેલા તૃણમૂલના
રૂખનાં કારણે અને આ પગલું ગણતરીપૂર્વકની રમત હોવાની ચર્ચા પણ ચાલી છે. દરમ્યાન, ગુરુવારે
મતદાન થતાં 88 ટકા જેટલા ભારે મતો ઇવીએમમાં
પડયા છે. ફાલટા 2011થી ટીએમસીનો
ગઢ છે અને 29મી એપ્રિલે મતદાનના દિવસે ભાજપે દાવો
કર્યો હતો કે, અહીંનાં અનેક બૂથમાં ઈવીએમ મશીન પર ભાજપનાં ચિહ્નને ટેપથી ઢાંકી દેવાયું
છે અથવા શાહીથી વિદ્રુપ કરી દેવાયું છે. આ આક્ષેપોને પગલે ચૂંટણીપંચે ફેરમતદાનનો આદેશ
આપ્યો હતો. આથી, આ બેઠક પર 21મી મેએ
યોજાનારાં મતદાન પૂર્વે ટીએમસી પૂરેપૂરું જોર લગાવે એ અપેક્ષિત હતું. જો કે, ટીએમસીએ
આ બેઠકને પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનાવવાને બદલે જહાંગીરને ઉમેદવારી પાછી ખેંચી લેવાની સલાહ
આપી હોવી જોઈએ, કેમ કે, ચૂંટણી પ્રચાર માટે ન તો મમતાદીદી અહીં આવ્યાં કે ન અભિષેક
બેનર્જી, જે આ ક્ષેત્રના સાંસદ છે. વળી, જહાંગીર અભિષેકની નિકટ ગણાય છે. એવી ચર્ચા
છે કે, હાલની પરિસ્થિતિમાં જહાંગીરનું અહીં જીતવું શક્ય નથી, આથી તેને મેદાન છોડવા
કહેવાયું. આથી જહાંગીર ખાને જાહેરાત કરી છે કે, મુખ્યપ્રધાન શુભેન્દુ અધિકારીએ ફાલટા
માટે વિશેષ પેકેજની જાહેરાત કરી છે, આથી હું ફાલટાના હિતમાં ઉમેદવારી પાછી ખેંચું છું.
ચૂંટણી પૂર્વે જહાંગીર અને 24 પરગણાના
ચૂંટણી નિરીક્ષક એવા ઉત્તરપ્રદેશના આઈપીએસ અધિકારી અજય પાલ શર્મા વચ્ચે સંઘર્ષ થયો
હતો. 2011 બેચના તથા પ્રયાગરાજના વધારાના
પોલીસ કમિશનર અજય પાલ શર્મા એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ તરીકે વિખ્યાત છે. જહાંગીર ખાન
બાહુબલીની ઈમેજ ધરાવે છે અને ચૂંટણી પહેલાં અજય શર્માએ ચેતવણી આપી હતી કે, ચૂંટણીમાં
કોઈ ઘાલમેલ કરવાનો વિચાર પણ ન કરતા, જેના પગલે જહાંગીરે ઝુકેગા નહીં... એવી ટિપ્પણી
કરી હતી. ચૂંટણી પછી જહાંગીર ખાનના નિકટના માણસોની ધરપકડ તથા એકંદરે પરિણામ પછી ટીએમસીના
કાર્યકર્તાઓ તથા તેમની દાદાગીરી પર આવેલા અંકુશનાં કારણે પણ કદાચ જહાંગીરે ઉમેદવારી
પાછી ખેંચી હોય. રાજકીય વ્યૂહરચના હોય તો પણ ટીએમસીએ ભરેલા પારોઠનાં પગલાં બંગાળના
રાજકારણ માટે સારી નિશાની ગણી શકાય. ભાજપની શુભેન્દુ સરકારનો પ્રભાવ આ રીતે વર્તાવો
શરૂ થયો છે.