ભુજ, તા. 18 : આસો માસ તેના મધ્યાહ્ને છે, ત્યારે ચૈત્ર-વૈશાખ જેવી આકરી ગરમીનો પ્રભાવ
જિલ્લાના મોટા ભાગના વિસ્તારમાં જારી રહેતાં જનજીવન આકુળવ્યાકુળ બન્યું હતું. જિલ્લામાં
શહેરી - ગ્રામીણ વિસ્તારોની સાથે દરિયાકાંઠાના વિસ્તારો તાપ - ઉકળાટથી રીતસરના તોબા
પોકારી ઊઠયા હતા. નલિયામાં મહત્તમ તાપમાન ઊંચકાઇને 39.8 ડિગ્રીએ પહોંચતાં રાજ્યમાં
રાજકોટ પછી નલિયા બીજું, તો 39.2 ડિગ્રી મહત્તમ તાપમાને ભુજ
રાજ્યનું ત્રીજા નંબરનું ગરમ મથક બન્યું હતું. કંડલા પોર્ટમાં 39 અને કંડલા (એ.)માં 38.8 ડિગ્રી તાપમાને આકરી ગરમીનો
અનુભવ થયો હતો. લઘુતમ તાપમાન 22થી 25 ડિગ્રી વચ્ચે નોંધાતાં સવારના
ઝાકળવર્ષાથી ભીનો માહોલ અનુભવાયો હતો. જિલ્લામાં શનિવારે કેટલાક વિસ્તારમાં વરસાદી
ઝાપટાં વરસ્યાં હતાં. રવિવારે ક્યાંયથી પણ વરસાદ પડયાના અહેવાલ મળ્યા નથી. હજુ આગામી
સપ્તાહ દરમિયાન આવું જ વાતાવરણ રહેવાની સંભાવના છે.