• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

કમાન્ડ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી અપાશે

કોડાય, તા. 18 : માંડવી તાલુકાના મોટા આસંબિયા ખાતે રાજાશાહી વખતથી સિંચાઈ માટે ઉપયોગી એવા વિજયસાગર ડેમ વિતરક સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં વિજયસાગર ડેમના કમાન્ડ વિસ્તારના આસપાસનાં ગામોના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખેતીની પરિસ્થિતિ અને પાકને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખેતી માટે બે પિયત પાણી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.વિજયસાગર ડેમમાં આશરે 13 ફૂટ જેટલું પાણી અનામત રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં કેટલાક ખેડૂતોને પાક બચાવવા માટે પાણીની તાતી જરૂરિયાત હોવાથી આગામી સમયમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પાણીનું વિતરણ કરવામાં આવશે. જળાસિંચન વિભાગના અધિકારીઓ આર. કે. સુમરા, એન્જિનીયર અલ્તાફભાઈ સંગાર અને એ. કે. બકાલીએ ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક અને સમજદારીથી ઉપયોગ કરવા અપીલ કરી હતી. બેઠકમાં માવજીભાઈ હિરાણી, જયુભા જાડેજા, વિનુભા જાડેજા, વેલજી જેસા, ઉદયસિંહ જાડેજા સહિતના ખેડૂતોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. ખેડૂત આગેવાનો હિરજીભાઈ પૂજાણી, દેવજીભાઈ સંગાર, સહદેવસિંહ જાડેજા, બહાદુરસિંહ જાડેજા, જયુભા જાડેજા, પરેશ હાલાઇ સહિત આસપાસના વિસ્તારોના મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd