માંડવી, તા. 18 : બંદરીય શહેરમાં પાંચમે નોરતે
અત્રેના સરહદ સલામતી દળ યુનિટના જવાનોએ ઉમા-હરિ ગરબી મંડળ અને પાટીદાર પાર્ક વિસ્તારની
ગરબીમાં ભાવભેર માથું નમાવતાં આયોજકો દ્વારા ઉમળકા સાથે સત્કાર કરાયો હતો. હરિનગર-3 ખાતે આવેલાં ભવનાથ મહાદેવ મંદિર પટાંગણમાં
તામિલનાડુ સાગરકાંઠે આવેલા બી.એસ.એફ. યુનિટના વડા એ.એસ.આઇ. જી. આદિનારાયણે લાગણીઓ પ્રદર્શિત
કરતાં કહ્યું હતું કે, નાગરિક અને
સીમાની રખેવાળી કરનારા પોતિકાઓને આદર અને હૂંફ આપવા બદલ અહોભાવની અનુભૂતિ છે. આયોજન
અને સ્વયંશિસ્તની તેમણે પ્રશંસા કરી સંભારણા તરીકે મૂલવ્યું હતું. પ્રમુખ નટવરસિંહ
જાડેજાએ સત્કાર કર્યો હતો. હે.કો. આશુતોષકુમાર અને કોન્સ્ટેબલ પ્રકાશકુમારસિંહનું અભિવાદન
મંત્રી લક્ષ્મીકાંતભાઇ મોતા અને કોષાધ્યક્ષ હસમુખભાઇ પટેલે કર્યું હતું. પત્રકાર દેવેન્દ્ર
વ્યાસનું સન્માન પ્રિયંકભાઇ જાનીએ કર્યું હતું. આરંભમાં રામભાઇ ગઢવી, કિરણભાઇ મહારાજ અને મહેશભાઇ દવેએ જવાનોને તિલક કરી દીર્ઘાયુની મા જગદંબા પાસે
અરજ કરી હતી. ઉદ્ઘોષણા કરતા મહેન્દ્રસિંહ જાડેજાએ પ્રાકૃતિક પડકારો વચ્ચે સરહદનું રખોપું
કરનારા જવાનોની સેવાઓને અવિસ્મરણીય લેખાવતાં ભારતીય બી.એસ.એફ.ને વિશ્વમાં સૌથી મોટાં
સરહદ રક્ષક દળનો પરિચય કરાવ્યો હતો. નીલેશ ગોસ્વામી, કુલદીપ અબોટી,
હિંમતસિંહ જાડેજા, રમેશ સેંઘાણી, દીપક વાસાણી, નીલેશ કુકડિયા, દોલત
સેંઘાણી, રવજી કેરાઇ ઉપરાંત સાંઇ મહિલા મંડળની બહેનો સહિત બહોળી
સંખ્યામાં ભાવિકો જોડાયા હતા. પાટીદાર પાર્ક ખાતેના નવરાત્રિ મહોત્સવમાં ઉક્ત બી.એસ.એફ.
ટુકડીનું બહુમાન-સત્કાર પાટીદાર સમાજના અગ્રણીઓએ કર્યો હતો. વલ્લભભાઇ વેલાણી,
નરોત્તમભાઇ ધોળુ, વિનોદભાઇ ધોળુ, ગૌતમ ભગત, ભરત માકાણી, રાજેશ ચૌધરી
સહિત સોસાયટી અગ્રણીઓ સહયોગી થયા હતા.