• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

`સેવા કરવાની નમ્રતા બની રહે એ જ પ્રાર્થના'

વલસાડ, તા. 18 : અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના પત્ની, અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન ડૉ. પ્રીતિ અદાણીએ આજે ગુજરાતના વલસાડ સ્થિત શ્રીમદ રાજચંદ્ર મિશન (એસઆરએમડી) આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન, તેમણે  ગુરુદેવ રાકેશજીના આશીર્વાદ મેળવ્યા હતા.  આ પ્રસંગે ગૌતમ અદાણીએ કહ્યુ હતું કે આ  નવરાત્રિએ, હું દેવી દુર્ગાના આશીર્વાદ માંગું છું. શ્રીમદ રાજચંદ્ર આશ્રમની મારી આ મુલાકાતે મારા હૃદયની નજીક રહેલી એક માન્યતાને વધુ દ્રઢ કરી છે કે, સેવા એ પોતે જ એક પ્રકારની આધ્યાત્મિક સાધના છે. હું પ્રાર્થના કરું છું કે મને સેવા કરવાની નમ્રતા અને અન્યના જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ પ્રાપ્ત થાય. દક્ષિણ ગુજરાતના વલસાડમાં આવેલો શ્રીમદ રાજચંદ્ર મિશન આશ્રમ 1994માં સ્થાપિત કરવામાં આવ્યો હતો. આ કેન્દ્ર જૈન આધ્યાત્મિક નેતા શ્રીમદ રાજચંદ્રજીના ઉપદેશોનો પ્રસાર કરે છે, જેમને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કેન્દ્રનું નેતૃત્વ હાલમાં ગુરુદેવ રાકેશજી કરી રહ્યા છે, જેમની સાથે અદાણી દંપતીએ મુલાકાત કરી હતી. તેમની વચ્ચે સેવા, યુવા વિકાસ અને સામુદાયિક કલ્યાણ જેવા ક્ષેત્રોમાં સંભવિત સહયોગ અંગે ચર્ચા થઈ હતી. તેમણે આદિવાસી મહિલાઓ અને વંચિત સમુદાયોને ટેકો આપવા માટે ચાલી રહેલા વિવિધ કાર્યક્રમોની પણ સમીક્ષા કરી હતી.  મુલાકાત દરમિયાન, ગુરુદેવે ભારપૂર્વક જણાવ્યું હતું કે સાધના અને સેવા એકબીજાના પૂરક છે. તેમણે જીવન, સંસાધનો અને ઉપલબ્ધ અવસરોનો ઉપયોગ વ્યાપક લોકકલ્યાણ માટે કરવા પણ જણાવ્યું હતું. અદાણી દંપતીએ 'રાજ સભાગૃહ' ખાતે આયોજિત સત્સંગમાં પણ ભાગ લીધો હતો. ગૌતમ અદાણીએ મિશન સાથે જોડાયેલા યુવાનો સાથે સંવાદ કર્યો, જ્યારે ડૉ. પ્રીતિ અદાણીએ 'શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વિમેન'ની મુલાકાત લીધી. ત્યાં તેમણે કૌશલ્ય વિકાસ, આજીવિકા અને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમોમાં ભાગ લઈ રહેલી આદિવાસી મહિલાઓ સાથે વાતચીત કરી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd