નવી દિલ્હી, તા. 18 : સુપ્રીમ કોર્ટે
વિદ્યાર્થીઓનાં હિતમાં એક મહત્ત્વનો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે
કે, એન્જિનીયારિંગ, ફાર્મસી
અને અન્ય પ્રોફેશનલ કોર્સની ફી સામાન્ય રીતે અભ્યાસ શરૂ થયા પછી વધારી શકાશે નહીં.
કોલેજમાં પ્રવેશ લેતા પહેલાં જ સમગ્ર અભ્યાસક્રમની ફી અગાઉથી નક્કી થઈ જવી જોઈએ,
જેથી વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો યોગ્ય આર્થિક આયોજન કરી શકે. આ સમગ્ર
મામલો પશ્ચિમ બંગાળની `ડો. બી.સી.
રોય એન્જિનીયારિંગ કોલેજ'માં બી.ટેક.ના
2023-27 બેચની ફી સાથે જોડાયેલો છે.
રાજ્ય સરકારે 16 ઓક્ટોબર, 2023ના ખાનગી
એન્જિનીયારિંગ, ફાર્મસી અને આર્કિટેક્ચર
કોલેજો માટે ફીની નવી મર્યાદા નક્કી કરી હતી. ત્યારબાદ કોલેજે 15 ડિસેમ્બર, 2023ના સંબંધિત
વિદ્યાર્થીઓની સેમેસ્ટર ફી વધારી દીધી હતી
અને ડેવલપમેન્ટ ફી પણ લાગુ કરી હતી. રિપોર્ટ મુજબ આના કારણે વિદ્યાર્થીઓ પર ફીનો બોજ
અંદાજે 37.5 ટકા વધી ગયો હતો. આ ફી વધારાના
નિર્ણય સામે વિદ્યાર્થીઓએ કલકત્તા હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. આ મામલે સુપ્રીમ
કોર્ટમાં ડો. બી.સી. રોય એન્જિનીયારિંગ કોલેજ એન્ડ એઝ્ર. વિરુદ્ધ પશ્ચિમ બંગાળ સરકાર
અને અન્ય કેસની સુનાવણી થઈ હતી. જસ્ટિસ પમિદિઘંતમ શ્રી નરાસિંહ અને જસ્ટિસ આલોક અરાધેની
પીઠે 14 ઓક્ટોબર, 2026ના આ કેસમાં
ચુકાદો આપ્યો હતો. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, સ્વધિરાણ મેળવતી ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રોફેશનલ
કોર્સની ફી ભણતરની વચ્ચે ક્યારેય બદલવી જોઈએ નહીં. વિદ્યાર્થીઓને પ્રવેશ લેતા પહેલાં
જ આખા કોર્સના ખર્ચની સ્પષ્ટ માહિતી મળવી અનિવાર્ય છે. ભારતના મોટાભાગના પરિવારો માટે
પ્રોફેશનલ શિક્ષણ મેળવવું એક મોટો નાણાકીય બોજ સમાન હોય છે. ઘણા પરિવારો આ માટે એજ્યુકેશન
લોન પણ લેતા હોય છે. આવા સંજોગોમાં અચાનક ફી વધવાથી મધ્યમ વર્ગના પરિવારોનું બજેટ ખોરવાઈ
જાય છે. જો કે, કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, માત્ર અસાધારણ પરિસ્થિતિઓ (જેમ કે અચાનક મોટો આર્થિક સંકટ કે કાયદામાં ફેરફાર)માં
જ ફી બદલવાની છૂટ મળી શકે છે, પરંતુ કોલેજો પોતાની ખામીઓ કે આયોજનના
અભાવને છુપાવવા માટે આ છૂટનો દુરુપયોગ કરી શકશે નહીં. ફી નક્કી કરનારી સમિતિઓએ પણ વાસ્તવિક
ખર્ચ અને ઓડિટ કરેલા આંકડાઓને ધ્યાનમાં રાખીને સમયસર પોતાનું કામ પૂરું કરવું પડશે.