ભોપાલ, તા. 18 : કોલકાતાના દુર્ગાપૂજા પંડાલમાં
ભાગદોડની જીવલેણ દુર્ઘટનાના થોડા કલાકો બાદ ગઇકાલે શનિવારની મોડી રાત્રે ગ્વાલિયરમાં
પૂરપાટ ગતિ સાથે આવતી ટ્રકે 41 શ્રદ્ધાળુને
કચડી નાખ્યા હતા. આ લોહિયાળ દુર્ઘટનામાં 15 ભક્તનાં કરુણ મોત થઇ ગયાં હતાં. ચીનૌર રોડ પર ઢાળ પાસે રાત્રે
દોઢ વાગ્યે સર્જાયેલા અકસ્માતમાં બે પોલીસ જવાન સહિત 26 લોકો ઘાયલ થયા હતા. તમામ શ્રદ્ધાળુઓ
શીતળા માતા મંદિરનાં દર્શન માટે રસ્તાની એક બાજુએ કતારમાં ઊભા હતા, ત્યારે ટ્રક બેકાબૂ બની ગઇ હતી. આ દુર્ઘટના
બાદ મુખ્યમંત્રી મોહન યાદવના નિર્દેશ પર એસ.પી. રવિ નિદૌરિયાને બરખાસ્ત કરી દેવાયા હતા, તો
આઠ પોલીસ અધિકારી, કર્મચારીને ફરજમોકૂફ કરી દેવાયા હતા. સરકાર
માટે શ્રદ્ધાળુઓની સુરક્ષા સર્વોપરી છે. ફરજમાં લાપરવાહી સહન નહીં કરી લેવાય. જવાબદારી
નક્કી કરીને કઠોર કાર્યવાહી કરાશે, તેવું મુખ્યમંત્રીએ જણાવ્યું
હતું. મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર તરફથી મૃતકોના પરિવારોને 4-4 લાખ, ગંભીર ઘાયલોને બે-બે લાખ, અન્ય ઘાયલોને 50-50 હજારની સહાયની
ઘોષણા કરી હતી. ઘાયલોને જયારોગ્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકો-ઘાયલોના પરિવારોએ
પોલીસ પર લાપરવાહીનો આરોપ મૂકતાં હંગામો કર્યો હતો. પોલીસે ટ્રકમાલિક અને ટ્રક ડ્રાઇવરની
ધરપકડ કરી લીધી હતી. ડ્રાઇવરે પૂછપરછ દરમ્યાન પોલીસને અકસ્માતનાં કારણ રૂપે ટ્રકની
બ્રેક ફેઇલ થઇ ગઇ હોવાનું જણાવ્યું હતું. ફોરેન્સિક પેથોલોજિસ્ટ ડો. માખનલાલે જણાવ્યું
હતું કે, જીવ ખોનાર શ્રદ્ધાળુઓનું પોસ્ટમોર્ટમ કરાવ્યું
હતું. તમામ મૃતદેહોના પરીક્ષણ પરથી બેહદ ખરાબ રીતે ટ્રકે કચડી નાખ્યા હોવાનું જણાયું
હતું. ગ્વાલિયરનાં ટ્રોમા સેન્ટરમાંથી મૃતદેહે બહાર લવાયા ત્યારે જોતાં જ પરિવારના
સભ્યો ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા. કેન્દ્રીયમંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ હોસ્પિટલમાં
પહોંચીને મૃતકોના પરિવારો, ઘાયલોની મુલાતકાત લીધી હતી. સિંધિયાએ
કહ્યું હતું કે, રાતનાં અંધારાંમાં ટ્રકને પ્રવેશ કેમ મળ્યો,
ટ્રક ગ્વાલિયર કેમ પહોંચી તેની કડક તપાસ થવી જોઇએ. - સંગરુરમાં
પૂરપાટ ગતિએ કારે કચડતાં નવ મજૂરનાં મોત : નવી દિલ્હી, તા. 18 : પંજાબનાં સંગરુરમાં લહેરાગાગા જાખલ રોડ પર એક ઝડપી કારે ભારે
તબાહી મચાવી દીધી. કારે નવ મનરેગા કામદારોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં નવ કામદારોના
મોત થયા. અકસ્માત સમયે લગભગ 23 પુરૂષો અને
ત્રીઓ રસ્તા પર કામ કરી રહ્યા હતા. પ્રાથમિક માહિતી અનુસાર, આ અકસ્માતમાં નવ કામદારોના મોત થયા છે,
જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. લેહરગાગા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર
જસકરણસિંહ (એસએચઓ)ના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં નવ લોકોએ જીવ
ગુમાવ્યા છે. કોંગ્રેસના નેતા અમરિંદર સિંહ રાજા વારિંગે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું.
તેમણે કહ્યું, `લેહરામાં
બનેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી છું. એક ઝડપી ગતિએ આવતી કારે મનરેગા કામદારોને
કચડી નાખ્યા અને ઘણા લોકો ઘાયલ થયા. આ હૃદયદ્રાવક છે.'