• શનિવાર, 17 ઑક્ટોબર, 2026

બાહોશ ધારાશાત્રીની ચિર વિદાય

સીમાવર્તી પ્રદેશ કચ્છે સરહદી ગુનાખોરી અને અપરાધિક પ્રવૃત્તિ સામે સદૈવ સજાગ રહેવું જરૂરી છે. હવે ડિજિટલ ટેકનોલોજીનો જમાનો છે. પરંપરાગત યુદ્ધપદ્ધતિ કોરાણે મુકાતી ચાલી છે. ઓપરેશન સિંદૂર દરમ્યાન પાકિસ્તાને કચ્છ ઉપર ડ્રોનનો મારો કર્યો હતો, જે આપણી વાયુસેના અને દળોએ વિફળ બનાવ્યો. ગુનાખોરી ખુલ્લી પાડવી, દેશવિરોધી - સમાજવિરોધી તત્ત્વોને ઝડપીને તેને કોર્ટના કઠેરામાં અને ત્યાંથી જેલના સળિયા પાછળ ધકેલવા રાષ્ટ્રની સુરક્ષા માટે  અતિ જરૂરી છે. એ કામગીરીમાં તપાસનીશ એજન્સીઓ સાથે ધારાશાત્રીની ભૂમિકા મહત્ત્વની બની રહે છે. આ લાંબી પ્રસ્તાવના માટેના નિમિત્ત છે રત્નાકરભાઈ ધોળકિયા : કચ્છના આ વરિષ્ઠ અને પ્રામાણિક વકીલનાં અવસાનથી કાયદાની દુનિયાને તો ખોટ પડી છે, સાથે સમાજે એક ઉમદા - ધર્મિષ્ઠ અને સત્યના પક્ષે ગમે તેવું જોખમ લઈને લડનારું વ્યક્તિત્વ ગુમાવ્યું છે. તેમનાં અવસાનના ખબર ફેલાતાં જ સાથી વકીલોમાં શોકની લાગણી ફરી વળી. રત્નાકરભાઇ એવા જાણકાર અગ્રણી જે માત્ર ન્યાય વિભાગ સંબંધિત જ નહીં, કચ્છના જાહેર જીવનની દરેક બાબતથી વાકેફ અને સ્પષ્ટ અભિપ્રાય ધરાવતા હતા. એમનું જીવન સંઘર્ષથી ભરેલું. દેશવિરોધી પ્રવૃત્તિઓનાં પ્રકરણમાં કાયદાની ઝીણામાં ઝીણી જોગવાઇઓનો અભ્યાસ કરીને કેસને સજ્જડ બનાવવાની તેમની ખાસિયત હતી. સામાન્ય રીતે ફોજદારી કે રાષ્ટ્રદ્રોહના ગંભીર ગુનાના કાનૂની જંગ વખતે ખાનગી ધારાશાત્રીઓ પોતાના સાથીઓને કે અસીલોને જુબાની કેમ આપવી તેની ખાસ ટિપ્સ આપતા હોય, પણ રત્નાકરભાઇ સરકારી વકીલ તરીકે આ પદ્ધતિ અપનાવતા એ તેમની ફરજનિષ્ઠાનું પ્રમાણ આપે છે. કસ્ટમ, દાણચોરી, દેશવિરોધી પ્રવૃત્તિના કેસ લડવા એ જોખમ ભરેલું કામ હોય છે. આ કામગીરી બજાવવામાં અનેક પ્રલોભનો આવે, ધાકધમકીએ થાય, શ્રી ધોળકિયાએ નિસ્પૃહ અને નીડર બનીને તેનો સામનો કર્યો. 1992માં ભુજમાં મહાદેવ નાકા પાસે સ્કૂટર પર કોર્ટ જઈ રહેલા આ ધારાશાત્રી ઉપર હુમલોએ થયો હતો. રત્નાકરભાઈએ કચ્છમિત્રની કટારના સંચયરૂપ પ્રસિદ્ધ કરેલાં પુસ્તક `સંવેદનશીલતા સરહદની'માં નોંધ્યું છે કે, 33 વર્ષનાં જાહેર ક્ષેત્રની વકીલાતમાં તેમનો એ વિશ્વાસ દૃઢ થયો કે, સરકારી વકીલ નિષ્કામ કામ કરે, ઊંડા ઊતરી જે-તે વિભાગના અધિકારીઓને વિશ્વાસમાં લઈને કામ કરતાં મોટા ભાગના અધિકારી વર્ગ ઉપર તેની સકારાત્મક અસર થયા વિના રહેતી નથી. રત્નાકરભાઈ ધોળકિયાએ સમાજ જીવન અને વકીલાત ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરી સીમાચિહ્ન અંકિત કર્યું છે. દેશમાં અને કચ્છ-ગુજરાતમાં કાયદા ક્ષેત્ર વિકસી રહ્યું છે. અનેક નવલોહિયા વકીલો આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા ઉત્સાહથી આવી રહ્યા છે. શ્રી ધોળકિયાનું નિષ્ઠાપૂર્વકનું કામ પ્રેરણારૂપ બની શકે તેમ છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd