• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ચાર તાલુકામાં 30000 ચો.મી સરકારી જમીન દબાણમુક્ત

ભુજ, તા. 18 : કચ્છમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્ત્વો વિરુદ્ધ તંત્રવાહકોએ સખ્તાઈભરી કામગીરી જારી રાખી છે. રવિવોર રજાના દિવસે કચ્છમાં અલગ અલગ સ્થળે હાથ ધરાયેલી દબાણ હટાવવાની વિશેષ ઝુંબેશરૂપ કામગીરીમાં 30,000 ચો.મી જેટલી સરકારી જમીનને દબાણમુક્ત કરાવાઈ હતી. દબાણમુક્ત થયેલી જમીનની કિંમત 72 લાખ આંકવામાં આવી છે. હટાવાયેલાં દબાણોમાં વ્યાવસાયિક, રહેણાક અને ખેતીરૂપી દબાણોનો સમાવેશ થાય છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં વિવિધ પ્રાંત અધિકારીઓએ હાથ ધરેલી દબાણ હટાવવાની આ ઝુંબેશનાં પગલે દબાણકર્તા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો હતો.  માંડવી તાલુકાના મોટી મઉં ગામે સરકારી સરવે નંબર 281વાળી જમીનમાં ખેડવાણ કરી કરાયેલું 1પ980 ચો.મીનું ખેતીલક્ષી દબાણ દૂર કરી 10.86 લાખની જમીનને ખુલ્લી કરાવાઈ હતી. પ્રાંત અધિકારી અભિષેક સિંહાના માર્ગદર્શનમાં મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, સર્કલ ઓફિસર વી.એમ. ગઢવી, નાયબ મામલતદાર આર. એન. જાડેજાએ કામગીરી કરી હતી, તો મુંદરા તાલુકાના ઝરપરા ગામે સરકારી સરવે નંબર 422-પમાં 129પ0 ચો.મી વિસ્તારની જમીન મુક્ત કરાવાઈ હતી. મુંદરા મામલતદાર કલ્પના ગોંદિયારનાં ખેતી વિષયક દબાણ દૂર કરી 42.21 લાખની જમીનને દબાણમુક્ત કરાવાઈ હતી. નખત્રાણા પ્રાંત અધિકારી ઉત્કર્ષ ઉજ્જવલના માર્ગદર્શન હેઠળ ભુજ-લખપત ધોરીમાર્ગ પર  અડચણરૂપ બનતાં કાચા પાકા અનઅધિકૃત દબાણોને દૂર કરાવી પ00 ચો.મી જમીનને ખુલ્લી કરાવાઈ હતી. ખુલ્લી થયેલી જમીની બજાર કિંમત બે લાખની અંકાઈ હતી. મામલતદાર આર.કે. પટેલ, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર સી.બી. બોરડ, સહિતની ટીમ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરીમાં જોડાઈ હતી, તો કોટડા જડોદર ગ્રામ પંચાયત દ્વારા ત્રણ દબાણકારને નોટિસ પાઠવ્યા બાદ આઠ લાખની કિંમતનું 100 ચો.વાર જમીનનું દબાણ હટાવાયું હતું. રાપરમાં સરકારી ટાવરની 30 ચો.મી જમીનનું દબાણ હટાવાયું, જેમાં ધાર્મિક અને વ્યાવસાયિક દબાણોનો સમાવેશ થાય છે. આ જમીનની કિંમત નવ લાખની આંકવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર અભિષેક પ્રમોદ, મામલતદાર એચ.બી. વાઘેલા સહિતની ટીમ જોડાઈ હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd