નવી દિલ્હી, તા. 18 : પશ્ચિમ બંગાળની
રાજધાની કોલકાતામાં નવદુર્ગા ઉત્સવ દરમિયાન દુ:ખદ દુર્ઘટના બની હતી. ચોરબાગાનમાં ચાલતા
દુર્ગા પંડાલમાં અચાનક ભાગદોડ મચી હતી અને 19 લોકોનાં મૃત્યુ થયાની પુષ્ટિ થઈ ચૂકી છે. જ્યારે ડઝનેક લોકો
ઘાયલ થયા હતા. આ દુર્ઘટના બાદ ઘણા લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા
હતા. દુર્ઘટના બાદ ચોરબાગાન પંડાલ અને ઉત્તર
તેમજ મધ્ય કોલકાતાના વિસ્તારોમાં ધારા 163 લાગુ કરી દીધી છે. જેના હેઠળ કાર્યક્રમ સ્થળની આસપાસ સડકો ઉપર
લોકોના એકત્રિત થવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 20મી ઓક્ટોબર સુધી લાગુ રહેશે.પશ્ચિમ બંગાળના
મંત્રી કૌશિક ચૌધરીએ પણ ઘટનાસ્થળની બાદમાં મુલાકાત કરી હતી અને કહ્યું હતું કે, સ્થિતિ ઉપર નજર રાખવા માટે કન્ટ્રોલ રૂમ બનાવવામાં
આવ્યો છે. મુખ્યમંત્રી દેખરેખ રાખી રહ્યા છે.
વધુમાં પોલીસ અને અન્ય અધિકારીઓ દ્વારા પંડાલોમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ પણ કરવામાં
આવી રહી છે. આ મામલે મુખ્યમંત્રી દ્વારા મહત્ત્વની બેઠક પણ કરવામાં આવી હતી.