રાપર, તા. 18 : વરસાદ ખેંચાયો છે, ત્યારે ખેડૂતોને નિયમિત પૂરતાં પ્રમાણમાં વીજળીની જરૂર રહેવાની છે,
ત્યારે જરૂરિયાત વખતે જ વીજ સમસ્યા સર્જાતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
છે. આ મામલે આજે કિસાન સંઘ દ્વારા વીજ કચેરીએ રજૂઆત કરાઈ હતી. પીજીવીસીએલ દ્વારા લો
વોલ્ટેજ, વારંવાર ફોલ્ટ અને રિપેરિંગમાં વિલંબ નવા કનેક્શનમાં
વિલંબ અને વારંવારનાં વીજકાપ જેવી સમસ્યાઓથી ત્રસ્ત બન્યા છે. આ રજૂઆત દરમિયાન ભીમાસરમાં
જ્યાં ક્રોસ લાઇન થાય છે, ત્યાં ક્વર્ડ કેબલ નાખવા માંગ કરાઈ
હતી. આ ઉપરાંત ભીમાસરમાં એક જગ્યાએ લાઈટ બંધ થાય તો રિપેરિંગ દરમિયાન બેથી ત્રણ લાઈનનો
વીજ પુરવઠો બંધ કરાતો હોવાથી ખેડૂતોને મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું. આડેસર અને કિડિયાનગરના ખેડૂતોને આઠ કલાક અપાતી વીજળી
છેલ્લા અઠવાડિયાથી ફોલ્ટમાં હોવાનું રજૂઆતમાં જણાવી તરત નીવેડો લાવવા કહેવાયું હતું.
અધિકારીઓ દ્વારા હકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આગામી રવી સિઝનમાં પાકને પાણી આપવા પૂરતા પ્રમાણમાં વીજળીની જરૂર પડશે,
ત્યારે અત્યારથી પૂરતાં પ્રમાણમાં લાઈટ મળી રહે તેવી ખેડૂતોએ માંગ કરી
હતી.