• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

પર્વના અજવાસ ઉપર મોંઘવારીનો ઓછાયો

નવરાત્રિ પર્વ અંતિમ ચરણમાં છે. દિવાળી ઢૂંકડી છે, પરંતુ બજારમાં મોંઘવારીને લીધે થોડી ઝાંખપ છે. અલબત્ત, આ મોંઘવારી માત્ર ને માત્ર શાસન - પ્રશાસનને લીધે નથી તે પણ સમજી શકાય, પરંતુ સ્થિતિ સંભાળવાની જવાબદારી તો તેઓની જ છે. ગૃહિણી કે મધ્યમ વર્ગના કર્મચારી - વેપારીથી લઈ ખેડૂતોને આ ચિંતા છે. છૂટક અને જથ્થાબંધ મોંઘવારીના ઊંચા આંકડા આ વાતની ગવાહી આપી રહ્યા છે. વૃદ્ધિના પંથે અર્થતંત્ર જતું હોય ત્યારે ભાવવધારો સમાંતર પડકાર હોય તે સમજી શકાય, પરંતુ તે એટલો અનિયંત્રિત પણ ન થવો જોઈએ કે પ્રજાની ચિંતા અને ચર્ચાનો મુખ્ય વિષય બને. ગત મહિને છૂટક મોંઘવારીનો દર 3.65 ટકા હતો. આ મહિને તે 5.49 ટકા રહ્યો છે. 1.84 ટકાનો આ વધારો એટલા માટે અસરકારક છે કે, શાક, ખાદ્યતેલના ભાવમાં ઉછાળો છે અને તે મોંઘી રેસ્ટોરન્ટ્સ કે બંગલાઓને જ નહીં દરેક રસોડાંને અસર કરે છે. જથ્થાબંધ મોંઘવારીનો દર 1.31 ટકા હતો તે વધીને 1.84 ટકાએ પહોંચ્યો છે. 0.53 ટકાનો આ વધારો ખાદ્ય ચીજવસ્તુ, મેન્યુફેક્ચારિંગ ક્ષેત્રના કાચામાલના ખર્ચમાં થયેલા વધારાને લીધે છે. છૂટક મોંઘવારી દરમાં બે ટકા જેટલો સીધો કૂદકો તાજેતરના મહિનાઓનો સૌથી મોટો માસિક ઉછાળો છે. સરકાર કહે છે કે, મોંઘવારી નિયંત્રણમાં છે, પરંતુ શાકભાજી લેવા જતા બહેનો-વડીલોનાં મનમાં પ્રશ્ન એ છે કે, તો પછી શાક સો રૂપિયે કિલો શા માટે છે ? ટી.વી., ફ્રીઝ, વાહન કે કપડાં મોંઘા નથી થયા. રસોડાંનાં બજેટમાં જ ભડકો છે. ભાવવધારાને લીધે સામાન્ય જનતાને ફટકો પડયો છે, પરંતુ ઉત્પાદક-ખેડૂતને કોઈ ફાયદો થયો નથી. શાક મોંઘા છે, પરંતુ પાક ઓછો છે. વધારે વરસાદ જ્યાં થયો ત્યાં પણ નુકસાન છે. ભાવવધારો તો પરિવહન કે વચેટિયાઓને લીધે છે. મોંઘવારી નિયંત્રણમાં રહે, ફુગાવાનો દર વધે નહીં તે માટે થઈને જ રિઝર્વ બેન્કે ગયા અઠવાડિયે રેપોરેટમાં વધારો કર્યો. ઈએમઆઈ ભરતા લોકો માટે આ પણ નિરાશ કરે તેવી વાત છે, પરંતુ સરકાર પાસે તેનો વિકલ્પ ક્યાં? નવેમ્બર-ડિસેમ્બરમાં પુરવઠો સામાન્ય થશે ત્યાર પછી વ્યાજદર ઘટવાની આશા લોકો રાખી શકે.  સરકારનું પુરવઠા સંચાલન અને રિઝર્વ બેન્કની નાણાકીય નીતિ વચ્ચેનો મેળ જળવાઈ રહેશે તો તહેવાર પછી બજારની સ્થિતિ સામાન્ય થઈ શકે. કુદરતી કારણ આ વખતે છે જ, તો ફેબ્રુઆરીથી ચાલી રહેલાં યુદ્ધને લીધે ક્રૂડના ભાવ વધ્યા તેણે મોંઘવારીમાં મોટો ભાગ ભજવ્યો છે. હજી સુધી તેની અસર છે. હોર્મુઝ ક્ષેત્ર મહિનાઓ સુધી બંધ રહ્યું, પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા. થોડા દિવસો પહેલાં જ નાયરા, રિલાયન્સે પેટ્રોલના ભાવ વધાર્યા. આ તમામ પરિબળો મોંઘવારી માટે જવાબદાર છે. અગાઉના પણ અનુભવ એવા છે કે, મોંઘવારી હોય તોય તહેવારો ઉપર ખરીદીનું પ્રમાણ કંઈ સાવ તળિયે જતું હોતું નથી. ઉત્સવપ્રિય પ્રજા જરૂર પૂરતું તો બધું લે જ છે, પરંતુ એક વિચાર સતત ચાલુ રહે કે આ વખતે વસ્તુ મોંઘી પડી. મોંઘવારીની વર્તમાન સ્થિતિ સંપૂર્ણપણે માળખાંકીય ખામી નથી, પરંતુ વૈશ્વિક સ્થિતિ, ઋતુચક્ર વચ્ચે સર્જાયેલી ખેંચતાણ છે. આરબીઆઈની નાણાકીય શિસ્ત અને પુરવઠાની વ્યવસ્થા જો આ સ્થિતિને સાચવી લે તો દિવાળી પછી સ્થિતિ સુધરવાની આશા રાખી શકાય તેમ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd