નલિયા, તા 18 : સરહદી લખપત તાલુકાના કોટેશ્વર
નજીક આવેલા સંવેદનશીલ ક્રીક વિસ્તારમાંથી સીમા સુરક્ષા દળ દ્વારા સતત બીજા દિવસે પણ
વધુ એક પાકિસ્તાની બોટ ઝડપી લેવામાં આવી છે. શુક્રવારે બીએસએફ દ્વારા એક બોટ અને એક
પાકિસ્તાની શખ્સને દબોચી લીધા બાદ હાથ ધરાયેલાં સઘન સર્ચ ઓપરેશન દરમિયાન શનિવારે આ
બીજી બિનવારસુ બોટ સુરક્ષાદળોના હાથે લાગી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે ક્રીક વિસ્તારમાં નિયમિત પેટ્રાલિંગ કરી રહેલી બીએસએફની ટુકડીએ ભારતીય જળસીમામાં ઘૂસી
આવેલી એક પાકિસ્તાની ફાશિંગ બોટ સાથે એક શખ્સને
ઝડપી પાડયો હતો. પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શખ્સનું નામ જુમન એહમદ (ઉં.વ. 22, રહે. ગામ કલકશાની, તા. ઠઠ્ઠો, જિ. જત-સિંધ,
પાકિસ્તાન) હોવાનું સામે આવ્યું છે. બીએસએફ દ્વારા ઝડપાયેલા આ શખ્સને તબીબી
તપાસ અર્થે દયાપર સીએચસી ખાતે ખસેડાયો હતો.
જો કે, કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછના પગલે મોડી રાત
સુધી તેને સ્થાનિક નારાયણ સરોવર પોલીસને સોંપવામાં
આવ્યો ન હતો. હાલ પકડાયેલા શખ્સ પાસેથી કોઈ આપત્તિજનક કે શંકાસ્પદ સામગ્રી મળી આવી નથી, પરંતુ સંયુક્ત ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેની આકરી પૂછપરછ કરવામાં
આવશે. જવાનોને જોઈ માછીમારો બોટ મૂકી ભાગ્યા આ ઘૂસણખોરી બાદ બીએસએફ દ્વારા સતર્કતા
દાખવી શનિવારે આખો દિવસ ક્રીકના અતિ દુર્ગમ
અને કાદવ-કીચડવાળા ત્રિકોણીય વિસ્તારોમાં સઘન પેટ્રાલિંગ ચાલુ રખાયું હતું.
આ દરમિયાન સુરક્ષા જવાનોને નજીક આવતા જોઈ અન્ય એક બોટમાં સવાર માછીમારો ક્રીકનો લાભ ઉઠાવી બોટ રેઢી મૂકી પાકિસ્તાન તરફ નાસી છૂટયા હોવાનું
અનુમાન લગાવાઈ રહ્યું છે. જવાનોએ આ બીજી બોટ
પણ જપ્ત કરી લીધી છે. રવિવારે પણ ક્રીક પટ્ટામાં બીએસએફનું સર્ચ ઓપરેશન અવિરત ચાલુ
રાખવામાં આવ્યું છે. આ વિસ્તારમાં હજુ પણ અન્ય બોટ કે છુપાયેલા શખ્સો હોવાની આશંકાને
પગલે સમગ્ર સરહદી પટ્ટા પર સુરક્ષા વ્યવસ્થા અત્યંત કડક કરી દેવામાં આવી છે.