કોડાય, તા. 18 : માતાજીની આરાધનાનું પર્વ એટલે
નવરાત્રિ. આ પર્વ ભારત સહિત વિશ્વના વિવિધ દેશોમાં વસતા ભારતીયો દ્વારા શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહભેર ઊજવવામાં આવી રહ્યું છે.
ત્યારે કેન્યાના પાટનગર નૈરોબી ખાતે કચ્છી
લેવા પટેલ સમાજ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ મહોત્સવમાં
કચ્છના જાણીતા લોકગાયક રાજ ગઢવી ચારણી છટા સાથે ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. માંડવી તાલુકાના રામપર ગામના રાજ ગઢવીએ નાની ઉંમરે
પોતાની આગવી ગાયકીથી લોકહૃદયમાં સ્થાન મેળવ્યું છે.કચ્છના જાણીતા સંગીત નિર્દેશક કીર્તિભાઈ
વરસાણીની `તકધુમ મ્યુઝિક' ટીમ સાથે રાજ ગઢવી નવરાત્રિના કાર્યક્રમોમાં
પોતાની પ્રસ્તુતિ આપી રહ્યા છે. નૈરોબી ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં કચ્છની લોકપરંપરા અને
ગુજરાતી સંસ્કૃતિની અનોખી ઝલક જોવા મળી રહી છે.