• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

ભ્રષ્ટ અધિકારી સામે કેસ માટે મંજૂરી જરૂરી નથી

નવી દિલ્હી, તા. 18 : લાંચખોર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ સામે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને સખત નિર્ણય સંભળાવ્યો છે. ભ્રષ્ટાચાર નિવારણ કાયદા સાથે જોડાયેલા એક કેસની સુનાવણી કરતી વખતે સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ સરકારી કર્મચારી લાંચ માગતા ઝડપાય છે, તો તેની સામે કાનૂની કાર્યવાહી કે કેસ ચલાવવા માટે ઉપરી અધિકારીઓ પાસેથી પૂર્વ મંજૂરી લેવાનું સુરક્ષા કવચ મળશે નહીં.  કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કાનૂની સંરક્ષણ માત્ર એટલા માટે આપવામાં આવ્યું છે, જેથી અધિકારીઓ પોતાની ફરજ નિભાવતી વખતે પ્રામાણિકતાથી લીધેલા નિર્ણયો માટે હેરાનગતિનો ભોગ ન બને.  જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની પીઠે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 17-એની વ્યાખ્યા કરતા આ ચુકાદો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ કલમ વર્ષ 2018માં કાયદામાં ઉમેરવામાં આવી હતી, જેના નિયમ મુજબ કોઈ પણ સરકારી કર્મચારી સામે સત્તાવાર મંજૂરી વગર પૂછપરછ કે તપાસ કરી શકાતી નહોતી.  આ સમગ્ર મામલો રાજસ્થાન પોલીસના એક કોન્સ્ટેબલ સાથે જોડાયેલો છે, જેના પર રૂા. 1.5 લાખની લાંચ માગવાનો આરોપ હતો. તેણે પોતાની સામે નોંધાયેલી એફઆઈઆર અને ચાર્જશીટને રદ કરવા માટે અપીલ કરી હતી. રાજસ્થાનના એડિશનલ એડવોકેટ જનરલ સંસ્કૃતિ પાઠકની દલીલો સ્વીકારીને પીઠે આ અપીલ ફગાવી દીધી હતી. કોર્ટે અવલોકન કર્યું કે, કલમ 17-એનું સુરક્ષા કવચ તમામ સરકારી સેવકો પર અંધાધૂંધ કે ભેદભાવ વગર લાગુ કરી શકાય નહીં. ચુકાદો લખતાં જસ્ટિસ અંજારિયાએ નોંધ્યું કે, લાંચની માગણી કરવી એ સંપૂર્ણપણે ગુનાહિત કૃત્ય છે. આ કૃત્યને સરકારી ફરજો, કોઈ ભલામણ કે લીધેલા નિર્ણય સાથે કોઈ સંબંધ નથી, તેથી, આ કેસમાં કલમ 17-એ હેઠળનું રક્ષણ મેળવી શકાય નહીં અને પૂર્વ મંજૂરી ન હોવાનાં કારણે સમગ્ર કાર્યવાહી રદબાતલ ગણાય નહીં. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd