• સોમવાર, 19 ઑક્ટોબર, 2026

છ મહિના બાદ કંડલા એરપોર્ટ ફરી ધમધમશે

ગાંધીધામ, તા. 17 :  કચ્છમાં બે મેગા પોર્ટ અને ઔદ્યોગિકીકરણ તેમજ આગામી સમયમાં આવનારા પોર્ટ આધારિત પ્રોજેક્ટ માટે કંડલાથી અપૂરતી વિમાની સેવા  સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે, પરંતુ હવે છ  મહિનાના અંતરાલ બાદ  કંડલાથી  ખાનગી વિમાની કંપની દ્વારા દેશની રાજધાની અને દેશની આર્થિક રાજધાની વચ્ચે વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ સેવા શરૂ થતાં છ મહિનાથી  ઠપ રહેલું કંડલા એરપોર્ટ ફરી ધમધમતું થશે. આ અંગે મળતી વિગતો મુજબ કંડલાથી  તાજેતરમાં જ સ્પાઈસ જેટ દ્વારા દિલ્હીની વિમાની સેવા શરૂ કરવામાં આવી હતી. દિલ્હીની વિમાની સેવા તો લાંબા સમયથી બંધ જ હતી, પરંતુ ગત મે મહિનામાં  આર્થિક સંકટ સહિતના કારણોને આગળ ધરીને કંડલાથી મુંબઈ વચ્ચેની વિમાની સેવાનો પણ સંકેલો કરી લેવાયો હતો અને છેલ્લા છ મહિનાથી  ગાંધીધામથી લોકોને  વિમાની સેવા માટે ભુજ અને તાજેતરમાં જ શરૂ થયેલા  મુંદરા સુધી જવું પડતું હતું. દરમ્યાન આજે ફરી સ્પાઇસ  જેટ દ્વારા આગામી 25મીથી કંડલાથી મુંબઈ-દિલ્હી વચ્ચેની  વિમાની સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ મુજબ દિલ્હીથી સવારે 7.40  કલાકે વિમાન ઉડાન ભરીને સવારે 9.50 કલાકે કંડલા પહોંચશે, ત્યારબાદ કંડલાથી સવારે 10.30 કલાકે વિમાન  ઉડાન ભરીને  મુંબઈ જશે.  એ જ રીતે મુંબઈથી બપોરે 12.50 કલાકે પ્લેન રવાના થઈ બપોરે 2.30 કલાકે કંડલા ખાતે પહોંચશે અને બપોરે 3 વાગ્યે  વિમાન કંડલાથી ઉડાન ભરીને   સાંજે 5.10 કલાકે દિલ્હી પહોંચશે. કંડલાથી દિલ્હી બે કલાક અને કંડલાથી મુંબઈ દોઢ કલાક જેટલો સમય લાગશે. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુંદરાથી પણ સ્ટાર એરની વિમાની સેવા શરૂ થઈ  ગઈ છે તેમજ ભુજથી પણ ત્રણ ફ્લાઈટની સેવા છે. આમ કચ્છમાં એક સાથે હાલ ત્રણ અરેપોર્ટ  કાર્યરત થતાં વિમાની સેવાનો સારો વિકલ્પ કચ્છના લોકોને મળશે. દરમ્યાન અગાઉ પણ કંડલાથી  અનેક વખત વિમાની સેવાઓ શરૂ થઈ અને બંધ થઈ એવું સમયાંતરે બનતું આવ્યું છે. પ્રવાસીઓ નથી મળતા એવું નથી હોતું, કોરોનાકાળમાં કંડલા ખાતેથી સર્વાધિક પ્રવાસીઓની અરવજવર રહી હતી, ત્યારે આ વિમાની સેવા  જો  કાયમ રહે તો આર્થિક પાટનગરના લોકોને સારો લાભ મળશે, તેવું જાણકારોએ જણાવ્યું હતું. - કચ્છથી મુંબઈની ત્રણ અને દિલ્હીની બે ફ્લાઈટ થશે : ગાંધીધામ, તા. 17 : કંડલાથી ફરી આગામી તા. 25મીથી   મુંબઈ અને દિલ્હીની  વિમાની સેવાની શરૂઆત થઈ જશે. આ સાથે કચ્છથી મુંબઈની ત્રણ અને દિલ્હીની બે ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ બનશે. હાલ ભુજથી મુંબઈની બે અને દિલ્હીની એક  સેવા ચાલુ છે, જ્યારે આગામી 25મીથી  દિલ્હીની વધુ એક ફ્લાઈટ શરૂ થશે અને એ જ દિવસથી દિલ્હી મુંબઈ વચ્ચેની સેવા કંડલાથી શરૂ થશે. આ ઉપરંત મુંદરાથી પણ સ્ટાર એર દ્વારા મુંબઈની  વિમાની સેવા ચાલુ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd