ભુજ તા 17 : રાજ્યમાં
એકમાત્ર કચ્છના ચાર તાલુકાના હજારો ખેડૂતો માપણી વધારના મુદ્દે છ દાયકાથી હાલાકી વેઠી
રહ્યા છે. આ મુદ્દે ખેડૂતો અને કેટલાક જમીનધારકોએ ગંભીર આક્ષેપ કરતાં કહ્યું કે, પાંચ દાયકા પહેલાં કરાયેલા ઠરાવમાં માપણી વધારાનું
અસ્તિત્વ નાબૂદ થવા છતાં શા માટે કચ્છના ચાર તાલુકાને બાકાત રખાય તે સમજાતું નથી. રાજ્યસ્તરના
તંત્રવાહકોની આ નીતિ સામે આક્ષેપ સાથે કેટલાક અંગુલિનિર્દેશ પણ કરાયા છે. ખેડૂતોને
પરેશાન કરતી આ અધૂરાશને કારણે માપણી વધારાનો આ પ્રશ્ન પેંચીદો બની રહ્યો છે. 1977ની સાલમાં થયેલા ઠરાવ મુજબ
માપણી વધારાનું અસ્તિત્ત્વ જ નાબૂદ થઈ જતું હોવા છતાં યેનકેન પ્રકારે નીતનવા પરિપત્ર
બહાર પાડી આ સળગતા પ્રશ્નને સળગાવવાનું કાર્ય કરાઈ રહ્યું હોવાનો આક્ષેપ કરાઇ રહ્યો
છે. એક અંદાજ અનુસાર કચ્છમાં લગભગ 200 એકરથી વધુ જમીનમાં માપણી વધારાનો પ્રશ્ન માથાંનો દુ:ખાવારૂપ
બની રહ્યો છે. - બેવડો માપદંડ : માપણી વધારા-ઘટાડાનો પ્રશ્ન રાજ્યમાં એકમાત્ર
કચ્છના ચાર તાલુકામાં જોવા મળે છે. ખેડૂતોની
અજ્ઞાનતા અને ભોળપણનો લાભ લઈ રાજ્યના તંત્રવાહકો બેવડા માપદંડ અપનાવી સાવ સરળ રીતે
ઉકેલાઈ જાય તેવા આ મુદ્દાને ઉકેલવાના બદલે લંબાવ્યા કરે છે. વહીવટી ચૂકના કારણે ઊભી થયેલી તકનીકી ક્ષતિમાં તો કચ્છના ખેડૂતોનો
ખો નિકળી રહ્યો છે. - રેકર્ડ પર
ચડેલી જમીન દબાણ કઈ રીતે ગણાય ? : ખેડૂતોને
ખાલસા, ઈનામી નાબૂદી, ગણોતધારા
સહિતમાં જે જમીન મળી હતી, તે પ્રમોલિગેશનની કામગીરી બાદ સરાકરી રેકર્ડ પર ચડી ગઈ છે. આ જમીનના 7-12, 8-અ ટિપ્પણ સહિત નક્શામાં ચડી
ચૂક્યા છે. આ જમીન પર ખેડૂતો નિયમિત વેરા ભરાતા હોવા છતાં રેકર્ડ પર ચડેલી જમીને સરાકરી
જમીનનું દબાણ કઈ રીતે ગણી શકાય તેવો વેધક સવાલ કચ્છના ખેડૂતો પૂછી રહ્યા છે. - એક જ જિલ્લામાં બે અલગ અલગ
સર્વે : નવ પેકીના પાંચ તાલુકામાં માપણી વધારને
નાબૂદ કરી પ્રમોલિગેશનની કામગીરી બાદ જમીન રેગ્યુલર કરી દેવાઈ છે. જ્યારે ભુજ, ભચાઉ, અંજાર અને રાપર
એમ ચાર તાલુકામાં અલગ રીતે નોંધ નાખવામાં આવતાં માપણીનો આ અવ્યવહારુ ગણી શકાય તેવો
પ્રશ્ન ઊભો થયો છે. - ખેડૂતો પ્રીમિયમ
ભરવા તૈયાર પણ : ખેતીની જમીન
બિનખેતી થયા બાદ ખેતીની જંત્રીના બદલે પ્લોટની જંત્રીના 200 ટકા જેટલું તોતિંગ પ્રીમિયમ
વસૂલાય છે. ખેડૂતો આ 200 ટકા પ્રીમિયમ
ભરવા પણ તૈયાર હોવા છતાં તેમની જમીનનો મુદ્દો માપણીના પ્રશ્નને લઈ ઉકેલાતો નથી. ખેડૂતોએ
દસ પટની રકમ ભરી દીધી હોવા છતાં માપણી વધારો નિયમિત કરવા નવેસરથી પૈસા ભરવા પડે તેવી
નોબત આવી છે. - ચપટી વગાડતાં ઉકેલાય તેવો પ્રશ્ન
વર્ષોથી અદ્ધરતાલ : ક્રેડ્રાઈના અધ્યક્ષ અને ખેતી સાથે સંકળાયેલા પ્રવીણભાઈ પિંડોરિયાએ આક્રોશ સાથે જણાવ્યું કે, ચપટી વગાડતાં ઉકેલાઈ જાય તેવો આ પ્રશ્ન વર્ષોથી
અદ્ધરતાલ પડયો છે. આ પ્રશ્ને તેમણે રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજય રૂપાણી અને આનંદીબેન પટેલને રજૂઆત કરી છે.
આ મુદ્દે તેઓ બે દાયકાથી લડત ચલાવી રહ્યા છે, પણ પ્રશ્ન હજુ ઉકેલાયો
નથી. - ખેડૂતો બાંયો ચડાવવાના મૂડમાં
: દાયકાઓથી માપણી વધારાના પ્રશ્નથી હાલાકી
વેઠી રહેલા ખેડૂતો હવે આ પ્રશ્નથી ત્રસ્ત બની ગયા છે, હવે જો આ પ્રશ્ન ઉકેલાશે નહીં, તો ખેડૂતો સરકાર સામે બાંયો ચડાવી વિરોધ કરવાના મૂડમાં છે. - ચાર વખત અલગ અલગ પરિપત્ર થયા : 1997ની સાલમાં
સરકારે મહત્ત્વનો ઠરાવ કરી માપણી વધારાનું અસ્તિત્વ મીટાવી દીધું હતું. જો કે, અધિકારીઓએ 1980, 1991 અને 2013માં અલગ અલગ પરિપત્ર બાહર પાડી
તકનિકી ગૂંચ ઊભી કરી છે. - ભુજના ધારાસભ્ય
સક્રિય : ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ આ પ્રશ્ન ઉકેલાઈ
જાય એ મુદ્દે સક્રિય થયા છે. મુખ્યમંત્રીને રૂબરૂ મળી તેમજ લેખિત રજૂઆત કરી આ પ્રશ્ન
ઉકેલાઈ એ દિશામાં કામ કરી રહ્યા હોવાથી હવે નજીકના સમયમાં આ વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાય
તેવી આશા જાગી છે.