• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

આહીર સમાજવાડી રતનાલના વિકાસનું એપીસેન્ટર બનશે

રસિક આહીર દ્વારા : રતનાલ, તા. 13 : અહીં બાલકૃષ્ણ ટાયર (બીકેટી) કંપનીના આર્થિક સહયોગથી રૂા. 10 કરોડના માતબર ખર્ચે  નિર્માણ પામનારા રતનાલ `આહીર સમાજ ભવન'નું હર્ષોલ્લાસભેર ભૂમિપૂજન, ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ ભવનથી આહીર સમાજને એક સારી સુવિધા મળી રહેશે.

સાધુ-સંતોના હસ્તે ભૂમિપૂજન

રતનાલ આહીર સમાજનાં માર્ગદર્શન હેઠળ આયોજિત  કાર્યકમમાં સાધુ-સંતો અને રતનાલ આહીર સમાજ અને પંથકના આગેવાનોના હસ્તે ભૂમિપૂજન શાસ્ત્રોક્ત વિધિવિધાનપૂર્વક કરવામાં આવ્યું હતું. આ કાર્યકમ થકી રતનાલમાં વિકાસનો સુવર્ણ અધ્યાય ઉમેરાયો  હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે ત્રિકમદાસજી મહારાજ, મહામંડલેશ્વર 1008 મૂળજીરાજા કાપડીદાદા, લક્ષ્મણગિરિ બાપુ, ભરતદાદા કાપડી, ભગવાનદાસજી મહારાજ, ગોપાલદાદા કાપડી, રાધેશ્યામ શાસ્ત્રી, લાલગિરિ બાપુ, ભરતદાસ, સહિતના સાધુ-સંતો દ્વારા દીપ પ્રાગટય કરાયું હતું.

સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કરશે

અંજાર સચ્ચિદાનંદ મંદિર મહંત ત્રિકમદાસજી મહરાજે કહ્યું કે, આ ભવનનાં નિર્માણ થકી રતનાલ આહીર સમાજ વિકાસનું સર્વોચ્ચ શિખર સર કરશે. તેમણે કંપનીનાં કલ્યાણકારી કાર્યો અને સમાજલક્ષી દૃષ્ટિકોણને બિરદાવી રતનાલની વિકાસયાત્રામાં સમાજ ભવન મહત્ત્વનું સીમાચિહ્ન બનશે તેવાં આશિર્વચન પાઠવ્યાં હતાં.

કંપનીના ઋણી રહેશે

રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આધુનિક સમાજવાડી માટે માતબર રકમ ફાળવી છે, તે બદલ  કંપનીને અભિનંદન પાઠવી કહ્યું હતું કે ,સમગ્ર રતનાલ ગ્રામજનો કંપનીના ઋણી રહેશે. કંપની મેનેજમેન્ટ સમક્ષ જ્યારે પણ સમાજ દ્વારા વિકાસલક્ષી કાર્યો અંગે ભંડોળ માટે માગણી કરાઈ છે, ત્યારે બીકેટી દ્વારા ઉદાર હાથે ભંડોળ ફાળવાયું હોવાનું ઉમેર્યું હતું. રાજ્યમંત્રીએ વાડાબધીથી દૂર રહેવાની ટકોર કરી હતી. સમાજના સમૂહલગ્ન સમિતિ, અન્ય યુવા કાર્યકરોને આવા આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી આ ભવન ભવિષ્યમાં સમગ્ર રતનાલ ગામના વિકાસનું એપીસેન્ટર બનશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

પ્રસંગોમાં અગવડતાનું નિરાકરણ આવશે

ક્ચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધન કરતાં જણાવ્યું કે, આપના વિવિધ સામાજિક પ્રસંગોમાં જે અગાઉ અગવડ થતી હતી તેનું નિરાકરણ થશે અને સમૂહલગ્ન જેવાં આયોજનમાં સમાજની બચત થશે, સમાજ નવી ઊંચાઈ સર કરશે. ભવન ફક્ત બાંધકામ નથી, પરંતુ સંસ્કાર અને સામાજિક એકતાનું સંગમ સ્થાન બનશે.

સમાજમાં એકતા સંગઠન  પ્રજા કલ્યાણની ભાવનાનું નિર્માણ થશે

ક્ચ્છ આહીર મંડળ પ્રમુખ તેજાબાપા કાનગડે કહ્યું કે, ભવ્ય આહીર સમાજવાડીનાં નિર્માણથી સમાજ એકતા, સંગઠન, સમાજકલ્યાણની ભાવના નિર્માણ થશે.  સમગ્ર આયોજનના પ્રેરક ત્રિકમભાઈ છાંગાને અભિનંદન પાઠવ્યાં હતાં. પદ્ધર ગામમાં નિર્માણ પામેલી બીકેટી કંપની દ્વારા નિર્મિત આહીર સમાજવાડી આદર્શરૂપ હોવાનું કહ્યું હતું.

અગ્રણીઓની ઉપસ્થિતિ

કાર્યકમમાં રાણા બાપા, વેલજીભાઈ કિસાન, અરજણ રૂપા ભોજાણી, રાણા પટેલ, શંભુ લખુ જરૂ, ભૂરાભાઈ આહીર, ભૂરાભાઈ બત્તા, શામજી વરચંદ, ડી. બી. ઝાલા, મ્યાજરભાઈ છાંગા, આણદાભાઈ માતા, આલા ભચુ છાંગા, મહેશ બાબુ માતા, રતનાલ સરપંચ ત્રિકમભાઈ વરચંદ, ભગુભાઈ ધનાણી, મકાભાઈ પટેલ, નરેશ થારૂ, રણછોડ જીનામ, દેવજીભાઈ, કુકમા આહીર સમાજ, ભીમજી વાઘાણી, નારણ જગાણી, નારણભાઇ આર., સહિત રતનાલ ગામ અને પંથકના વિવિધ વઈના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં રમેશ ધનાણી, પ્રવીણ માતા, જગદીશ છાંગા, આર.કે. પટેલ, રાજેશ વરચંદ, વાલજી કેશરાણી, નંદલાલ ભીમાણી, નારણ માતા, વાલજી વરચંદ, નારણ કેશરાણી, દેવજી ભીમાણી, માવજી જશા વરચંદ અને રતનાલના વિવિધ સંગઠનો, સમૂહલગ્ન સમિતિ સહયોગી બન્યા હતા. આભારવિધિ અરજણ ભોજાણી અને સંચાલન કાનજી જીવા શેઠે કર્યું હતું. આરંભમાં સ્વાગત પ્રવચન રાજેશભાઈ છાંગાએ કર્યું હતું. રતનાલ આહીર સમાજના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

રાજ્યમંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ ગ્રામજનોની વચ્ચે બેઠા

રતનાલ, તા. 13  : સમગ્ર કાર્યકમમાં સાદગી અને સમાજની ઉત્તમ ભાવનાનાં દર્શન થયાં હતાં. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને ક્ચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સમગ્ર ગ્રામજનોની સાથે સ્ટેજ નીચે  બેઠા હતા અને સમાજના વડીલોને સ્ટેજ પર બેસવા કહ્યું હતું.

ગ્રામીણ વિકાસમાં યોગદાન આપવું એ બીકેટીની અગ્રિમતા

રતનાલ, તા. 13  :  બીકેટી કંપનીના સીએસઆર હેડ કર્નલ સુભેન્દ્ર અંજારિયાએ કહ્યું કે, અમારી કંપનીનું આદર્શ વાક્ય છે, `સબકા સાથ, સબકા વિકાસ' કંપની દ્વારા ગ્રામીણ વિસ્તારોના વિકાસમાં યોગદાન આપવું કંપનીની અગ્રિમતા છે. 10 કરોડની માતબર રકમના ખર્ચે નિર્માણ પામનારી સમાજવાડીનાં નિર્માણમાં ગુણવત્તામાં કોઈ પણ જાતની બાંધછોડ કરવામાં આવશે નહીં. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા અને કંપની મેનેજમેન્ટ સાથેની સતત વાતચીતના કારણે આ કાર્ય શક્ય બન્યું હોવાનું જણાવ્યું હતું.

Panchang

dd