ભુજ, તા. 13 : ભારત સરકારના ટીબી મુક્ત ભારત
અભિયાન અંતર્ગત ટીબીના દર્દીઓને સારવાર દરમિયાન પૌષ્ટિક આહાર મળી રહે તે સારવારનો મહત્ત્વનો
ભાગ માનવામાં આવે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડા. મિતેષ ભંડેરીના સૂચનાથી જિલ્લા ક્ષય અધિકારી ડો. મનોજ દવેના માર્ગદર્શન
હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડો.રવિના નેતૃત્વમાં તા.7ના
આશાપુરા ફાઉન્ડેશનના સહયોગથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા તથા માધાપર ખાતે
નોંધાયેલા ટીબી દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું હતું. યોગ્ય પોષણના અભાવે દર્દીની
રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ શકે છે, જ્યારે પૌષ્ટિક આહાર સારવારની અસરકારકતા વધારવામાં અને દર્દીને ઝડપથી સ્વસ્થ
થવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ અને
કર્મચારીઓ દ્વારા ટીબીના દર્દીઓને દવાઓ એકપણ
દિવસ ચૂક્યા વગર નિયમિત રીતે લેવા, સારવારનો સંપૂર્ણ કોર્સ પૂર્ણ
કરવા, સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવા, વ્યક્તિગત
સ્વચ્છતા જાળવવા તેમજ સમયાંતરે આરોગ્ય કર્મચારીઓના સંપર્કમાં રહેવા સમજ અપાઇ હતી. સાથે
જ ટીબી અંગે સમાજમાં રહેલી ગેરમાન્યતાઓ દૂર કરવા અને દર્દીઓ સાથે ભેદભાવ ન રાખવા અનુરોધ
કરાયો હતો. આ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ, મેડિકલ ઓફિસરો,
આરોગ્ય કર્મચારીઓ, ક્ષય કાર્યક્રમ સાથે સંકળાયેલા
સ્ટાફ તથા આશાપુરા ફાઉન્ડેશનના પ્રતિનિધિઓએ ટીબી સામેની લડતમાં સરકાર અને સમાજના સંયુક્ત
પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યું હતું કે,
ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે દર્દીઓને સમયસર નિદાન,
નિ:શુલ્ક સારવાર, પોષણ સહાય અને સતત અનુસરણ જેવી
સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સમાજના દરેક નાગરિક, સ્વૈચ્છિક
સંસ્થાઓ અને દાતાઓને ટીબી મુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવા સહયોગી બનવા અનુરોધ કરાયો
હતો.