ગિરીશ જોશી દ્વારા : નખત્રાણા, તા. 21 : ગામડાંમાંથી પહેલી વખત શહેર
બનેલા નખત્રાણાના નગરસેવકોને પ્રથમ વખત `રાજતિલક' કરવાનો
મતદારોને અધિકાર મળ્યો છે. ત્યારે નગારે પહેલો ઘા મારવા મુખ્ય બન્ને રાજકીય પક્ષો ભાજપ,
કોંગ્રેસ મેદાનમાં છે ત્યારે જોવાનું એ છે કે, 28મીએ નગરમાં કેસરિયો લહેરાશે કે પંજાની પકડ
મજબૂત બનશે. એક સમયે જ્યાં કોઈ ખતવાણ ન હતા એટલે નખતવાણામાંથી નખાત્રાણા બનેલું ઉભરતું
શહેર આખાય પશ્ચિમ કચ્છનું મુખ્ય મથક છે. પશ્ચિમ કચ્છની પ્રથમ નગરપાલિકા જાહેર થતાં
7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી જાહેર થતાં
જ સત્તાપક્ષ ભાજપને વગર ચૂંટણીએ બે બેઠકો બિનહરીફ મળી ચૂકી છે ને હવે 26 સીટ પર ચુનાવી જંગ જામ્યો છે.
- બારડોલીની ઓળખ : ખાસ કરીને
પાટીદારોની મુખ્ય વસ્તી ધરાવતા નખત્રાણામાં રાજનીતિનો દબદબો, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અને ખેતીવાડી, કિસાન સંઘ વગેરેના કારણે બારડોલીની ઉપમા મળી છે. હવે તો પંચરંગી વસ્તીવાળું
બની ગયેલાં શહેરની ચારેય તરફ વિકાસ જોવા મળે છે. ધંધા-રોજગાર ઉપરાંત ગામડાંના લોકો
નખત્રાણામાં વસ્યા હોવાથી પશ્ચિમ કચ્છનું મુખ્ય મથક બન્યું છે. - પ. કચ્છનું પ્રથમ શહેર : નખત્રાણા, અબડાસા, લખપત આ ત્રણેય
તાલુકા આવે છે એવા અબડાસા મતવિસ્તારમાં પહેલી નગરપાલિકા મળ્યાનું શૌભાગ્ય નખત્રાણાને
મળ્યું છે, ત્યારે ચાર વરસથી નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ
હવે લોકપ્રતિનિધિઓની ચૂંટણી યોજી વહીવટ સોંપવાનો વખત આવ્યો છે. - સાત વોર્ડ બનાવાયા : નખત્રાણા ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકાની
ચાર વરસ પહેલાં જાહેરાત થયા બાદ નવું સીમાંકન અમલમાં આવતાં 7 વોર્ડ બનાવાયા છે. પ્રત્યેક વોર્ડમાં 4 સીટ પ્રમાણે 28 બેઠકો નક્કી કરાઈ હતી. નખત્રાણા
ઉપરાંત નજીકના વિરાણી મોટી, નાના નખત્રાણા,
બેરૂ-ગણેશનગર, સુખપર, નાની
વિરાણી વગેરેનો પણ સમાવેશ કરાયો હોવાથી આસપાસના આ ગામો પણ હવે શહેરમાં સમાવાઈ ચૂક્યા
છે.28 બેઠકોમાંથી 14 ત્રી અનામત, અનુ. જાતિ માટે 4, પછાત વર્ગ માટે 8, જ્યારે 8 સામાન્ય બેઠકો મુકરર કરાઈ છે. નખત્રાણામાં
પ્રથમ નગરપાલિકાની ચૂંટણીમાં જે ચૂંટાશે તેમાંથી પ્રથમ પ્રમુખ અનુ. જાતિ પુરુષ માટે
અનામત છે. - બે બેઠક બિનહરીફ : 7 વોર્ડમાં 28 બેઠકો પર ચૂંટણી જાહેર થતાં
ફોર્મ ભરાયાં પરંતુ વોર્ડ-4 અને વોર્ડ-5માં ભાજપના ઉમેદવાર બિનહરીફ થઈ જતાં હવે
26 બેઠકો પર ચૂંટણી થવાની છે.
ભાજપે 8 પાટીદારોને નગરસેવક માટે ઉતાર્યા છે, તો સામે કોંગ્રેસે પાંચ પાટીદારોને ટિકિટ ફાળવી
છે. વોર્ડ-4માં ભાજપના
મનન કલ્પેશ લુહાર અને વોર્ડ-5માં ભાજપના
મધુબેન ચંદુભાઈ સુથાર બિનહરીફ થઈ ચૂક્યા છે. વોર્ડ-6 અને 7માં ત્રણ
બેઠકો પર આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. - પાટીદાર નિર્ણાયક : નખત્રાણા નગરપાલિકા પહેલી વખત બનવા જઈ રહી છે. 4 હજારથી વધુ પાટીદાર સમાજના મતો નિર્ણાયક
બની શકે તેમ છે કેમ કે, જિલ્લા-તાલુકા
પંચાયતમાં ભાજપે કરેલી બેઠક ફાળવણી ઉપરાંત અન્ય એક કિસ્સામાં ક્યાંક પાટીદાર સમાજની
નારાજગી છે અને આ વાત કેટલાક આગેવાનોએ પણ નામ નહીં આપવાની શરતે સ્વીકારી હતી. તો રબારી
સમાજના ત્રણ હજાર મતો છે. લોહાણા, બ્રાહ્મણ, સોની, અ.જા. સમાજના મતો પણ મહત્ત્વનું પાસું હોવાથી બન્ને
પક્ષે જ્ઞાતિને સાચવવા પ્રયાસો કર્યા છે. નગરમાં કુલ્લ 18331 મતદાર છે જેમાંથી પુરુષ 9345, ત્રી 8984 છે. - હવે કરોડો વપરાશે : ગ્રામ પંચાયત
હતી ત્યારે કરવેરા પર આધાર રહેતો અને આ રકમ માંડ બે કરોડની આસપાસ થતી, પણ અત્યારે વર્ષ 26/27 માટે 21.19 કરોડના બજેટની જોગવાઈ કરાઈ
હોવાનું મુખ્ય અધિકારી ભાવિન કાંધાણીને મળ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું. ચાર વર્ષ
વહીવટ તેમની પાસે હોવાથી સ્મશાન વિકાસ, રસ્તા, સ્ટ્રોમ વોટર કેનાલ વગેરેનાં કામો, આવનારા દિવસમાં 7 એમ.એલ.ડી.
નર્મદાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરાઈ છે.
86 જણનના મહેમકની નવી ભરતી, મામલતદાર કચેરી પાસે નગરપાલિકાનું નવું ભવન
વગેરેનો હિસાબ આપ્યો હતો. 7140 મિલકતો નોંધાવેલી છે એમ જણાવીને કહ્યું કે નગરપાલિકાની હદ 11 સ્કવેર કિ.મી.થી વધારો થતાં
શહેરનો વિસ્તાર હવે 38.6 સ્કવેર કિ.મી.નો
થઈ ગયો છે. નગરમાં મહિને 15થી 18 બાંધકામની અરજીઓ આવે છે. - શું કહે છે નગરજનો : નગરપાલિકાની
પહેલી વખત ચૂંટણી છે અને મતદાન હવે 4 જણને કરવાનું હોવાથી મતદારો મૂંઝવણમાં છે તેવી વાત બહાર આવી હતી. ગામના પ્રશ્નો અંગે વર્ષોથી જાગૃત
એવા વેપારી મંડળના પ્રમુખ હેમેન્દ્ર કંસારા કહે છે કે, અમે શહેર જેવી રોનક જોવા માગીએ છીએ. ચાર વર્ષથી
જાહેરાત થઈ પણ હજુ નગરજનોને સંતોષ નથી. વેપારી મંડળના મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું
કે હજુ કોઈ ફાયદો દેખાયો નથી. ટ્રાફિક સમસ્યા હલ થવી જોઈએ. અહીં આસપાસના 30 ગામોથી લોકો ખરીદી અર્થે આવે
છે. બજારમાં એક પણ શૌચાલય નથી, જાય ક્યાં?
ચેમ્બરના ખજાનચી નીતિનભાઈ ઠક્કરે સ્પષ્ટ કહ્યું, હજુ કોઈ વિકાસ કામો થયાં નથી, ચાર વર્ષ એમ જ નીકળી ગયાં.
નવા ચૂંટાતા નગરસેવકો પાસે ઘણી અપેક્ષા છે. નિવૃત્ત કર્મચારી રમેશભાઈ જોષીએ કહ્યું
કે, કોઈ ધાર્યાં કામો થયાં નથી એ હકીકત છે. હવે નમૂનારૂપપ શહેર
બને કેમ કે વેરા વધશે તો સવલતો પણ વધવી જોઈએ. - હવે કરોડો
રૂપિયાની ગ્રાન્ટ મળશે : નખત્રાણા, તા. 21 : અબડાસા મતવિસ્તારના
ધારાસભ્ય અને હવે મોટી વિરાણી જેમનું ગામ છે તે નખત્રાણા નગરપાલિકામાં સમાવિષ્ટ થયું
હોવાથી પ્રદ્યુમનસિંહ જાડેજા કહે છે કે, નખત્રાણા નગરપાલિકા થતાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ વધવાની છે. તેઓએ કહ્યું કે,
ગ્રામ પંચાયતની આર્થિક સદ્ધરતા નહીં હોવાના કારણે વિકાસકામોની મર્યાદા
નક્કી થતી હતી. હવે નગરપાલિકા થતાં તેને સરકાર તરફથી વિશેષ વિકાસકામોનાં નાણાં ફાળવાશે.
ગટર યોજના માટે રૂા. 80 કરોડ મંજૂર
થયા છે. ટ્રાફિક સમસ્યા હલ કરવા બાયપાસ રોડ બનશે. સંપાદન માટે નોટિસ પણ અપાઈ ચૂકી છે. શહેરનો વિસ્તાર વધી ગયો છે. નજીકનાં ગામો પણ તેમાં
સમાવાઈ ચૂકયાં છે. નગરમાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલયનું નિર્માણ થયું છે. નર્મદાની પાણી
યોજના મળશે તેના માટે આયોજન ગોઠવાઈ ગયું છે. ટૂંક સમયમાં નમૂનેદાર શહેર બનશે અને તેનું
શ્રેય ભાજપની નવી બોડીને મળશે તેવો દાવો શ્રી જાડેજાએ કર્યો હતો. - પહેલી નગરપાલિકા
ભાજપની હશે : નખત્રાણા, તા. 21 : ભારતીય જનતા પક્ષના શહેર-તાલુકા
પ્રમુખ ધર્મેશભાઈ કેશરાણીએ જણાવ્યું હતું કે, અમારી નગરપાલિકા ચૂંટાશે,
બહુમતી મળવાની છે તેવો દાવો કર્યો હતો. માળખાંકીય સગવડો વધારવાની સાથે
એક વખત ચૂંટાયેલી બોડી અસ્તિત્વમાં આવ્યા બાદ વર્ષો જૂના પ્રશ્નો હાથ ઉપર લઈ નિરાકરણ
લાવી નખત્રાણા ગામને બદલે સાચા અર્થમાં શહેર તરફ આગળ વધશે તેવો વિશ્વાસ કર્યો હતો.
પણ ચાર વર્ષથી જાહેરાત બાદ પ્રશ્નો હલ નથી થયા તેવું નરાગરિકોનું કહેવું છે. આ મુદ્દે
કહ્યું કે, નવું માળખું
છે, ધીમે-ધીમે
સુધરી જશે. પીવાના પાણીની સમસ્યા કાયમ માટે હલ થઈ જશે. પાટીદારોમાં નારાજગી છે
? આ પ્રશ્ને તેમણે ચોખ્ખી ના પાડીને કહ્યું હતું કે, એકલા નખત્રાણામાં ભાજપે 8 પાટીદારોને ટિકિટ ફાળવી છે. ચૂંટણીના અનુભવી એવા ચંદનસિંહ રાઠોડની
આગેવાની હેઠળ ભાજપે પેનલ ઉતારી છે. ત્યારે ચંદનસિંહ કહે છે કે, 26માંથી 24 બેઠક અમને મળશે, ગામની ગટર યોજના નવેસરથી બનાવવા 45 કરોડ મંજૂર થયા છે. 100 કરોડનાં કામો ટૂંક સમયમાં થશે.
ટ્રાફિકનો પ્રશ્ન ઉકેલવા બાયપાસનું કામ તુરતમાં જ કરી દેવાની ખાતરી આપી હતી. - ચાર વર્ષમાં
કોઈ કામો થયાં નથી : કોંગ્રેસ : નખત્રાણા, તા. 21 : નખત્રાણા શહેર કોંગ્રેસના પ્રમુખ ને અગાઉ તાલુકા પંચાયતમાં રહી
ચૂકેલા લખમીર રબારીએ ભાજપ પર તાનાશાહીનો આક્ષેપ કરીને કોંગ્રેસની નગરપાલિકા હશે તેવો
દાવો કર્યો હતો. ઉમેદવારીપત્રો ભરવા માટે અમારા ઉમેદવારોને ભાજપવાળા બેસાડી દેવાના
પ્રયાસ કર્યા હતા. ધમકાવીને ફોર્મ ન ભરે તેવા પ્રસાયો કરવામાં આવ્યા હતા. કોંગ્રેસને બહુમતી મળશે કેમ કે ચાર વર્ષ થયા નગરપાલિકા
બન્યા પછી શહેર જેવું કંઈ લાગતું જ નથી. ચાર વર્ષમાં કયાં કામો થયાં છે એ સત્તા પક્ષે
જવાબ આપવો જોઈએ. બાયપાસની વારંવાર જાહેરાતો થાય છે. અહીં સરકારી હોસ્પિટલ નથી વગેરે પ્રશ્નો કરાયા હતા. જિલ્લા કોંગ્રેસના
મહામંત્રી અશ્વિનભાઈ રૂપારેલે જણાવ્યું કે, ભાજપે શહેર જેવી કોઈ વ્યવસ્થા જ નથી કરી. પીવાના પાણી મુદ્દે નાગરિકો અમને
નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. - ચાર બટન દબાવવાના છે, ભારી મૂંઝવણ ! : છગનભાઇ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 20 : અહીં પહેલી વખત નગરપાલિકાની
ચૂંટણી હોવાથી એકસાથે ચાર નગરસેવકો ચૂંટવાના મુદ્દે મતદારો જ નહીં ખુદ ઉમેદવારો પણ
મૂંઝવણ અનુભવી રહ્યા હોવાની ચૂંટણી ટાણે મોટી વાત બહાર આવી હતી. નખત્રાણાના મતદારો
અત્યાર સુધી ગ્રામ પંચાયતનું મતદાન કરતા આવ્યા છે અને તેઓને કોઇ જાણકારી પણ નથી કે
પ્રત્યેક વોર્ડના ચાર જણને મતદાન કરવા ઇ.વી.એમ.ના બટન દબાવવા પડશે અને ચાર જણને મત
આપ્યા પછી લોક કરવાની પદ્ધતિ હોવાથી શું કરવું તેનું ઉમેદવારો માર્ગદર્શન પણ આપતા હોય
છે. એકબાજુ મતદતાઓને ખબર નથી કે, અમે કયા
વોર્ડમાં છીએ અને કોણ લડે છે. કેમ કે પહેલી વખતનું સીમાંકન હોવાથી સામાન્ય મતદાર તો
આજુબાજુવાળાનું માર્ગદર્શન માગે છે. શહેરના મતદાર રમેશભાઇ જોષીએ પણ આ અંગે ચૂંટણી તંત્ર
જાગૃતિ માટે કેમ્પ કરે તેવી માગણી કરી હતી. એ તો ઠીક, ખુદ ઉમેદવારો
પણ પ્રચારમાં પોતાના વોર્ડને છોડી બીજા વોર્ડમાં પ્રચાર માટે પહોંચી જાય છે કેમ કે,
વિસ્તાર એક જ હોય, શેરી બદલી જાય એટલે વોર્ડ બદલી
જાય એવું સીમાંકન નક્કી થયું છે. કેમ કે, સીમાંકનમાં કોઇ વોર્ડમાં
એક જ જ્ઞાતિની વસ્તીનું મતદાન ન વધે તેને ધ્યાને રખાયું છે. ચૂંટણી લડતા ભાજપના ચંદનસિંહ
રાઠોડે પણ આ વાત કબૂલીને કહ્યું કે, મતદાનમાં કોઇ મતદારો ગેરમાર્ગે
ન દોરાય તેવા પ્રયાસો કરાશે. પ્રાંત અધિકારીને પણ જણાવ્યું છે કે, સમજણ પૂરી પાડવા જાગૃતિ લાવવામાં આવે જેથી મતદાન પર કોઇ અસર ન પહોંચે.