હૈદરાબાદ, તા. 21 : રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ
ખાતે આઈપીએલની 31મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ
વચ્ચે રમાઈ હતી, જેમાં હૈદરાબાદે દિલ્હી
સામે 47 રનથી જીત મેળવીને સતત ત્રીજી
જીત નોંધાવી હતી. આઈપીએલના ઈતિહાસમાં પાંચમો વ્યક્તિગત શ્રેષ્ઠ સ્કોર કરનારા અભિષેક
શર્મા (135 રન, અણનમ)ની આક્રમક બટિંગના બળે દિલ્હીને 243 રનનનું લક્ષ્ય મળ્યું હતું, પરંતુ દિલ્હીની ટીમ 20 ઓવરમાં 9 વિકેટે 195 રન જ બનાવી શકી હતી. જીતના ઈરાદે મેદાને ઊતરેલી દિલ્હીની ટીમ
વતી નીતીશ રાણાએ 30 દડામાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 57 રન કર્યા હતા, જ્યારે સમીર રીઝવીએ 28 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગા વડે 41 રન ફટકાર્યા હતા. રાહુલે 37 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન અક્ષર માત્ર 2 રને પરત ફર્યો હતો. હૈદરાબાદ તરફથી અશાન માલિંગાએ 4 અને હર્ષ દુબેએ 3 વિકેટ લીધી હતી. શાકિબ હુસૈન અને દિલશાન
મદુશંકાએ 1-1 વિકેટ લીધી હતી. અગાઉ ટી-20 ફોર્મેટના આઇસીસી ક્રમાંકના
નંબર વન બેટર અભિષેક શર્માની 10 ચોગ્ગા અને
10 છગ્ગાથી 13પ રનની વિસ્ફોટક અણનમ ઇનિંગ્સથી આઇપીએલની
મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 2 વિકેટે 242 રન ખડકયા હતા. અભિષેકે આઇપીએલ ઈતિહાસનો પાંચમો વ્યકિતગત શ્રેષ્ઠ
સ્કોર નોંધાવ્યો હતો. અભિષેકની આંધી પહેલી ઓવરથી લઇને છેલ્લી ઓવર સુધી ચાલુ રહી હતી.
આ દરમિયાન દિલ્હીના તમામ બોલર ઊડી ગયા હતા. અભિષેક શર્મા 68 દડામાં 10 ચોગ્ગા-10 છગ્ગાથી 13પ રને નોટઆઉટ રહ્યો હતો. તેના અને ટ્રેવિસ
હેડ (37) વચ્ચે પહેલી વિકેટમાં પ3 દડામાં 97 રનની ભાગીદારી થઇ હતી. આ પછી સનરાઇઝર્સ કપ્તાન ઇશાન કિશન અને
અભિષેક વચ્ચે બીજી વિકેટમાં 3પ દડામાં
79 રનનો ઝડપી ઉમેરો થયો હતો. કિશન
13 દડામાં 2 ચોગ્ગા-1 છગ્ગાથી કમનસીબ પણ ફોલો થ્રુમાં રનઆઉટ થયો હતો. ડેથ ઓવર્સમાં
અભિષેક અને કલાસેને પાવર હિટિંગ કરી રન રફતાર વધુ તેજ કરી હતી. કલાસેન માત્ર 12 દડામાં 3 ચોગ્ગા અને 3 છગ્ગાથી 37 રને નોટઆઉટ રહ્યો હતો. આ બે
વચ્ચે ચોથી વિકેટની અતૂટ ભાગીદારીમાં 32 દડામાં 68 રનનો ઉમેરો
થયો હતો. સનરાઇઝર્સની ઇનિંગ્સમાં 16 છગ્ગા અને 17 ચોગ્ગા લાગ્યા હતા. આથી 164 રન બાઉન્ડ્રીથી બન્યા હતા.